લાલપુરમાં ખનીજ ચોરીની ઉઠેલી વ્યાપક ફરિયાદો તથા થયેલી ઉચ્ચ સ્તરીય રજૂઆતોને પગલે ચૂંટણી બાદના જ દિવસે મામલતદાર કચેરી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તેના ભાગ રૂપે જ શનિવારની જાહેર રજાના દિવસે પણ મામલતદાર કેતન ચાવડાના માર્ગદર્શન હેઠળ ના.મામ નિલેશ બાવરિયા, બ્રિજેશ કણસાગરા, ભગીરથસિંહ જાડેજા, હિતેશ પરમાર, ડી. એન. ઝાલા વિગેરે દ્વારા અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ સ્થળ પર રેડ કરવામાં આવી હતી.
આ દરમિયાન પડાણા વિસ્તારમાં મંજૂરી વગરની કુલ બે સાઇટ બાબતે ખાણ ખનીજ વિભાગને એહવાલ કરવામાં આવેલ છે. ખાણ ખનીજ વિભાગે 1 જેસીબી તથા 2 ટ્રક જપ્ત કરી પોલીસને સોંપ્યા છે.
તેમજ ફરાર થયેલા 4 ટ્રક બાબતે નંબર નોંધી પોલીસ અધિક્ષક, જામનગરને એહવાલ કરવામાં આવેલ છે. આધારભૂત સૂત્રોના જણાવ્યાં મુજબ વિસ્તારમાં મંજૂરી વગર બેરોકટોક થઈ રહેલી ખનિજ ચોરી બાબતે મામલતદાર કેતન ચાવડા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

