વડોદરામાં વિકાસની સમાંતરે હરિયાળા વૃક્ષોનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. બીજી તરફ બે વર્ષ અગાઉના એક સેટેલાઇટ સરવેમાંથી એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે, 12 વર્ષ પહેલાં રાજ્યના નંબર-2 હરિયાળા શહેરના 19માંથી 7 વોર્ડ એટલે કે ત્રીજા ભાગથી વધુ વોર્ડ એવા છે, જેમાં 10 ટકા લીલોતરી પણ નથી. આ વોર્ડમાં વોર્ડ નં.7, 14, 15, 11 અને વોર્ડ નં.1 તથા 2નો સમાવેશ થાય છે.
વડોદરાના આ સાતેય વોર્ડમાં 7.5 લાખ જેટલા લોકો રહે છે. ભૂગર્ભ જળને તળિયા ઝાટક કરનાર હજારો કોનોકાર્પસ વૃક્ષો વાવી ચૂકેલી પાલિકાએ છેલ્લાં 5 વર્ષમાં પર્યાવરણના નામે રૂા.143 કરોડનું આંધણ કર્યું છે છતાં આ હાલત છે.
પાલિકાએ 2020માં આ જ 7 વોર્ડ પૈકીના કિશનવાડી, સમા, સયાજીપુરા (આજવા રોડ સહિત), હરણી અને વાઘોડિયા રોડમાં 60 હજાર ચોરસ મીટર જમીનો વેચવા કાઢી હતી. બીજી કરુણતા એ છે કે, હવે આ વિસ્તારોમાં લીલોતરી વધારવા કોઇ જગ્યા જ બાકી રખાઇ નથી.
અર્બન પ્લાનિંગમાં ધ્યાન ન આપતાં હવે આ વોર્ડ્સમાં લીલોતરી માટેની જમીન જ નથી. 3250 એકરમાં ફેલાયેલા વોર્ડ નં.7માં માંડ 89 એકર (0.36 ટકા) વિસ્તારમાં જ વૃક્ષો છે. જ્યારે 893 એકરના વોર્ડ નં.15માં માત્ર 5.64 ચોરસ એકરમાં જ વૃક્ષો છે, વિસ્તારની ટકાવારી 0.60 ટકા છે.
છેલ્લાં વર્ષોમાં પાલિકાનાં અણઘડ આયોજનો અને અધિકારીઓની બેદરકારીને લીધે ઝાડવાં ઘટ્યાં છે. વાતાવરણમાં પ્રાણવાયુ ઓક્સિજન તો ઘટે જ છે પણ સાથે તાપમાન ઊંચું જાય છે, હવાનું પ્રદૂષણ વધતાં લોકોમાં નાક-ફેફસાંની તકલીફો વધી રહી છે.
આ સાથે લોકોને પંખા-એસીની ખરીદી અને તેના લાઇટબિલનો જંગી ખર્ચ કરવો પડી રહ્યો છે. ચકલીઓ, હોલા, કાગડા જેવાં પક્ષીઓ રહેણાક વિસ્તારમાં પણ ફરકતાં જોવા મળતાં નથી. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં 4 વોર્ડના વિસ્તાર (વોર્ડ નં. 12,13,17 અને 18)માં 50 ટકાથી વધુમાં ગ્રીન કવર છે, પણ હજીય શહેરમાં 3 વ્યક્તિ દીઠ એક જ મોટું વૃક્ષ જ છે.

