અગાઉ મેટ્રોના ભૂગર્ભ રૂટના ખોદકામ દરમ્યાન ચોકબજાર ખાતેથી આશરે 3 સદી જુની તોપ મળી આવી હતી તે જ રીતે મુગલીસરાના ઐતિહાસિક CNI ચર્ચ પાસે મુકાયેલી તોપ પણ પાલિકાએ મેળવી હતી.
કિલ્લાના રિસ્ટોરેશન દરમ્યાન મળેલી તોપને પણ એકત્રિત કરી પાલિકાના હેરિટેજ સેલને સુપરત કરાઇ હતી. સહારા દરવાજા બોમ્બે માર્કેટ પાસે પાલિકાના દબાણ ડેપોમાંથી એકસાથે 17 જેટલી તોપ ભંગારમાં રઝળતી મળતા પાલિકાની જાળવણી સામે સવાલો ઊભાં થયાં છે.
વરાછા દબાણ ડેપોમાં ધૂળ ખાતી તોપ અંગે પાલિકાની નિષ્કાળજી મામલે શહેરીજનો- ઇતિહાસકારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
લૂંટારૂઓ અને આક્રમણખોરોથી શહેરનું રક્ષણ કરવા માટે અંગ્રેજોના આગમન પૂર્વેથી તોપો તૈનાત કરાઇ હતી. આ ઐતિહાસિક ધરોહર સમાન તોપ હાલમાં પણ શહેરના ખૂણે-ખૂણે ઘરબાયેલી હોવાની શક્યતાઓ ઇતિહાસકારોએ વ્યક્ત કરી છે.

