ગુજરાતના હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ મે મહિનાના છેલ્લા સપ્તાહમા અંગ દઝાડતી ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જેને પગલે હાલમાં ગુજરાત રાજ્ય અગનભઠ્ઠી બન્યું છે અને ગુજરાતવાસીઓ ભઠ્ઠીમાં શેકાઇ રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે બાદ ગઈકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
જ્યારે ગાંધીનગરનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આથી અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર બન્યું છે. આજે પણ સવારથી પરસેવો છોડાવતી ગરમી પડી રહી છે. સવારના 10થી 11 વાગ્યા સુધીમાં એટલે કે એક કલાકમાં જ 3 ડિગ્રી તાપમાન વધી ગયું છે. જ્યારે સૂર્યાસ્ત બાદ ચામડી દઝાડતી ગરમી અકળાવશે.

અમદાવાદ દેશનું 8માં નંબરનું ગરમ શહેર
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, 23 મે ગુરુવારના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રીએ પહોંચતાં 131 વર્ષોમાં પાંચમું અને ગુરુવારે રાજ્યનું પ્રથમ ક્રમનું તેમજ દેશનું આઠમા ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 20 મે 2016ના રોજ ઓલ ટાઇમ રેકોર્ડબ્રેક મહત્તમ તાપમાન નોંધાયું હતું. એ પહેલાં 1955માં 46.6 ડિગ્રી, 1970માં 47.5 ડિગ્રી તથા 2010માં 46.8 ડિગ્રી નોંધાઈ હતી. એ પછી 23 મે 2024ના રોજ રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે.

