પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પાર્ટી માટે થોડા રાહતના સમાચાર આવ્યા હતા જેમાં, પાકિસ્તાનની એક કોર્ટે સોમવારે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પાર્ટીના અન્ય નેતાઓને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ ૨૦૨૨માં વિરોધ કૂચ દરમિયાન ઈમરાન ખાન અને પાર્ટીના અન્ય નેતાઓ સામે તોડફોડના કેસ નોંધવામાં આવ્યા હતા.
ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે ઈમરાન ખાન, પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી, પૂર્વ સંચાર મંત્રી મુરાદ સઈદ અને અન્ય પીટીઆઈ નેતાઓને ‘હકીકી આઝાદી’ માર્ચ દરમિયાન તોડફોડના બે કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.
૭૧ વર્ષીય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના સ્થાપકને એપ્રિલ ૨૦૨૨માં પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. સ્થાપકને પદ પરથી હટાવવામાં આવ્યા બાદથી આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે અને ૨૦૦માંથી કેટલાક કેસમાં દોષિત ઠર્યા બાદ તેઓ ગયા વર્ષે ઓગસ્ટથી જેલમાં છે.
આ મહિનાની શરૂઆતમાં, ઇસ્લામાબાદના ન્યાયિક મેજિસ્ટ્રેટે ખાનને ૨૦૨૨ માં તેમની પાર્ટીની બે લાંબી માર્ચ દરમિયાન તોડફોડના બે કેસમાં પણ નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શાઇસ્તા કુંડીએ ઇસ્લામાબાદના લોહી ભૈર અને સહલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ અને કોર્ટમાં તેમની હાજરી સંબંધિત કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી.