માંગરોળમાં ગત વર્ષે પડેલા ધોધમાર વરસાદને લીધે ચોતરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તંત્ર હરકતમાં આવ્યું તે પહેલાં તો શહેર અને બંદર વિસ્તારની અનેક સોસાયટીઓ, રહેણાંક મકાનોમાં પાણી ઘુસી ગયા હતા અને લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી હતી. ત્યારે સોસાયટીના રહીશોએ અગમચેતીના ભાગરૂપે વરસાદી પાણીના વહેણને અવરોધરૂપ દબાણો અને તળાવમાં પેશકદમી દૂર કરવા તંત્રને આવેદન પાઠવ્યું હતું.
શહેરમાં ખાબકેલા ભારે વરસાદ અને પાણીના નિકાલના અભાવે ગત વર્ષે ગાયત્રી નગર, ભવાની નગર, ભક્તિ નગર, સંતોષી નગર સહિત બાયપાસ પર આવેલી અનેક સોસાયટીઓ ઉપરાંત બંદર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. અમુક વિસ્તારોમાં તો આવવા જવા માટે હોડીનો સહારો લેવો પડ્યો હતો. કમરડૂબ પાણી વચ્ચે હાઈવે પરના ડિવાઈડરો, દિવાલો તોડ્યા બાદ ધીમી ગતિએ પાણી ઓસર્યા હતા. આજે ગાયત્રી નગરના રહેવાસીઓએ મામલતદાર અને ચિફ ઓફીસરને આવેદન પાઠવી રજૂઆત કરી છે કે ગાયત્રી નગર તથા આજુબાજુની તમામ સોસાયટીના વરસાદી પાણીનું વહેણ નાલા સ્વરૂપે આ સોસાયટીથી આવેલું છે.
જે રાજાશાહીના સમયથી છે. આ વહેણ એક ઈસમની ખેતીની જમીન પાસેથી ઉત્તરથી દક્ષિણ તરફ છે. જે કેશોદ બાયપાસ ચોકડી પાસે તળાવની બાજુમાં રોડ નીચે નાલા સુધી આવેલું છે. હાલમાં વરસાદી પાણીનું વહેણ અવરોધાય તેવી રીતે બાંધકામ થઈ રહ્યું છે. ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વિના થતું હોય તો ગેરકાયદેસર છે અને મંજૂરી આપવામાં આવી હોય તો વરસાદી પાણીના નિકાલ માટે અવરોધ ઊભો થાય તેમ છે.
આ બાંધકામને લીધે સોસાયટીઓમાં પાણીનો ભરાવો થાય અને ઘરોમાં પણ બે બે ફૂટ પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ તેમ છે. આ ઉપરાંત પોરબંદર રોડ પર નેશનલ હાઇવે ઓથો. દ્વારા પાણીના નિકાલ માટેની કેનાલ પણ તોડી બૂરી નાંખવામાં આવી છે. સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગે કેનાલ ઉપરની સિમેન્ટની પાંખડીઓ પણ તોડી નાંખી છે. પરિણામે આ જગ્યાએ ઉંડા ખાડા થઈ ગયા છે. રાજાશાહીના સમયના તળાવમાં પણ ગે.કા. પેશકદમી કરી, ભરતી કરી તળાવ બૂરી દેવાની પેરવી થઈ રહી છે. જેથી તેમાં પાણીનો વધુ સંગ્રહ થઈ શકે તેમ નથી. તંત્ર પ્રિમોન્સુનની કામગીરી અને પાણીના નિકાલને લગતા અવરોધ તાબડતોબ દુર કરવા કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે..

