Gujarat

નુકસાનીના સર્વે અને સહાયના નિર્ણય પર રહેશે ખાસ ફોકસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 9:30 વાગ્યે રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. રાજ્યમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ વચ્ચે યોજાનારી આ બેઠકમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં થયેલી નુકસાનીના અંદાજ, સર્વેની કામગીરી અને અસરગ્રસ્તોને સહાય ચૂકવવા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવશે.

જળાશયોમાં પાણીની આવક અને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કેબિનેટ બેઠકમાં રાજ્યના વિવિધ ઝોનમાં નોંધાયેલા વરસાદની સ્થિતિ સાથે જળાશયો અને ડેમોમાં પાણીની નવી આવક તેમજ ઉપલબ્ધ જળજથ્થા અંગે ચર્ચા કરાશે. આ ઉપરાંત વરસાદી આપત્તિ બાદ ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી, વીજળી ગુલ થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવાની કામગીરી તેમજ રસ્તાઓની સ્થિતિ અંગે પણ ઉચ્ચ સ્તરે સમીક્ષા હાથ ધરાશે.

કૃષિ, આરોગ્ય અને સફાઈ ઝુંબેશ પર ભાર બેઠકમાં રાજ્યમાં ચોમાસું વાવણીની પ્રગતિ, ખેડૂતો માટે બિયારણ અને ખાતરની ઉપલબ્ધતા અંગે પણ મંથન થવાની શક્યતા છે. ભારે વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલાં પગલાં અને સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરાનારી સફાઈ ઝુંબેશને વધુ વેગ આપવા સૂચનાઓ આપવામાં આવી શકે છે.