Gujarat

ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિર્ણય પર હાઇકોર્ટનો વચગાળાનો સ્ટે

કંપનીના ખર્ચે વિદેશ પ્રવાસ કરવાના આરોપસર ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) દ્વારા રાજ્યના ત્રણ જાણીતા ચામડીના ડોક્ટરો (ડર્મેટોલોજિસ્ટ) સામે લેવાયેલા સસ્પેન્શનના પગલાં પર ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપી દીધો છે. GMC એ આ ડોક્ટરોના નામ 13 મહિના માટે સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાંથી દૂર કરીને તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

શું હતો સમગ્ર વિવાદ? ગત 30 જૂનના રોજ GMC દ્વારા સુરતના ડો. જગદીશકુમાર સખીયા, ડો. અમી શાહ અને અમદાવાદના ડો. ગીતા પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ડો. સખીયા ‘ઈન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજિસ્ટ્સ, વેનેરિઓલોજિસ્ટ્સ અને લેપ્રોલોજિસ્ટ્સ’ના પ્રમુખ છે.

2024માં એક કંપનીના સ્પોન્સરશિપ હેઠળ મોનાકો અને પેરિસનો પ્રવાસ કરનારા 30 ભારતીય ડોક્ટરોમાં આ ત્રણ ડોક્ટરો પણ સામેલ હતા. મેડિકલ કાઉન્સિલના નિયમો મુજબ આ પ્રકારના પ્રવાસો પર પ્રતિબંધ હોવાથી નેશનલ મેડિકલ કમિશન (NMC) સમક્ષ થયેલી અનામી ફરિયાદના આધારે GMC ને તપાસ સોંપાઈ હતી.

ડોક્ટરોનો હાઈકોર્ટમાં દાવો 30 ઓગસ્ટ, 2026 થી 29 સપ્ટેમ્બર, 2027 સુધી રજિસ્ટરમાંથી નામ દૂર કરવાના આદેશ સામે ત્રણેય ડોક્ટરોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ડોક્ટરો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓ મલ્ટિનેશનલ કંપની દ્વારા આયોજિત એન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટના ટ્રેનિંગ સેશનમાં ભાગ લેવા ગયા હતા, જેથી ભારતમાં આવીને અન્ય ડોક્ટરોને તાલીમ આપી શકાય.

વિશ્વભરમાંથી કુલ 15,000 ડોક્ટરોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. કરારમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે, ડોક્ટરો કંપનીની પ્રોડક્ટ્સ સાથે જોડાયેલા નથી અને તેમણે તેનો પ્રચાર કરવાનો નથી. NMC સમક્ષ થયેલી આ અનામી ફરિયાદ પાછળ કોર્પોરેટ હરીફાઈ જવાબદાર હોઈ શકે છે.