લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલની વરણી
જામનગરના રઘુવંશી અગ્રણી અને સેવાભાવી આગેવાન જીતેન્દ્રભાઈ લાલ (જીતુભાઈ લાલ)ની અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા આ વરણીને ખંભાળિયાના જ્ઞાતિ આગેવાનો, કાર્યકરો વગેરે આવકારી હતી.
છેલ્લા અનેક દાયકાઓથી વિવિધ પ્રકારે સમાજસેવા તેમજ જ્ઞાતિ સેવામાં પ્રથમ હરોળમાં રહેતા લાલ પરિવારના સેવાભાવી એવા જીતુભાઈ લાલને ગઈકાલે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવતા આ નિયુક્તિને સર્વત્ર આવકાર સાંપળ્યો છે.
જીતુભાઈ લાલની અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકેની આ વરણીને ખંભાળિયા લોહાણા મહાજનના કમલેશભાઈ વિઠલાણી, પરાગભાઈ બરછા, દિનેશભાઈ દતાણી, પ્રતાપભાઈ દતાણી સાથે શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, પીઢ પત્રકાર રમણીકભાઈ રાડિયા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કોર્પોરેટર જગુભાઈ રાયચુરા, જયેશભાઈ ગોકાણી, હિતેશભાઈ ગોકાણી, દીપેશભાઈ ગોકાણી અને મહેશભાઈ રાડિયા તેમજ ભરતભાઈ મોટાણી, નીતિનભાઈ ગણાત્રા, વગેરેએ આવકારી અને શુભકામનાઓ પાઠવી હતી.
ડો. ચોક્સીના નિધન બદલ પરિમલ નથવાણીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
ખંભાળિયા પંથકના છેલ્લી આશરે અડધી સદી કરતા પણ વધુ સમયથી સેવાભાવી તબીબ તરીકે કાર્યરત તથા પ્રથમ હરોળનું નામ અને સ્થાન ધરાવતા ડોક્ટર નવનીતભાઈ ચોક્સી (ડો. એન.ડી. ચોક્સી)નું આજરોજ નિધન થતાં ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
ખંભાળિયામાં તબીબી વ્યવસાયને સેવાનું માધ્યમ ગણાવી અને લોકસેવા અને દર્દીઓની સેવા માટે સમર્પિત બની રહેલા ડોક્ટર એન.ડી. ચોકસીએ તેમના સચોટ નિદાનની સૂઝ વડે દર્દીઓ સાથે સમગ્ર વિસ્તારની જનતાના હૃદયમાં મુઠ્ઠી ઊંચેરું સ્થાન મેળવ્યું હતું.
ડોક્ટર એન.ડી. ચોક્સીના નિધનથી ખંભાળિયાના તબીબી આલમ સાથે તેમની સાથે સંકળાયેલી વિવિધ ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓને પણ કદી પૂરી ન શકાય તેવી ખોટ પડી હોવાનો પ્રતિભાવ વ્યક્ત કરી, પરિમલ નથવાણીએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ડો. ચોકસી સાથે પારિવારિક નાતો ધરાવતા પરિમલ નથવાણીએ થોડા દિવસો પૂર્વે ડો. ચોકસીની નાદુરસ્ત તબિયત હોવાથી તેમની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.


