Gujarat

અમરેલીના દામનગરમાં I-20માં આગ લાગતા કાર ભડકે બળી, નીચે ઉતરી જતાં ચાલકનો આબાદ બચાવ

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દામનગર શહેરમાં રાફડા ચોકડી ઉપર કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. દામનગરનો યુવક કાર લઇને પસાર થતો તે દરમ્યાન અંદર કોઈ કારણોસર આગ લાગી હતી.

જોકે, યુવક નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. જ્યારે કારમાં જોતજોતામાં આગ વધુ વકરી જતા માર્ગ ઉપર અફડા તફડી મચી હતી. સીએનજી કાર હોવાને કારણે સ્થાનિકો વાહન ચાલકોમાં વધુ ચિંતા પ્રસરી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં નગરપાલિકા ફાયર વિભાગની ટીમ પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે તે પહેલાં મોટાભાગે આગ વધુ વકરી ગઈ હોવાને કારણે કાર બળીને ખાખ થઈ હતી. ઘટનાની જાણ થતાં દામનગર પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી અને ટ્રાફિક દૂર કરી આગ કેવી રીતે લાગી તેને લઈ તપાસ હાથ ધરી.