બારડોલીથી અસ્તાન ગામ તરફ જતાં રોડ પર હાલ રેલ્વે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ ઓવરબ્રિજનો સર્વિસ રોડ ખુલ્લો કરવા માટે વારંવાર નગરપાલિકાને સૂચના આપવામાં આવી હતી. દરમ્યાન ગત ડિસેમ્બર 2023ના રોજ નગરપાલિકાની ટીમે ઓવરબ્રિજથી 6 મીટર સુધીની માપણી કરી મિલકતો પર પીળા પટ્ટા વડે માર્કિંગ કર્યું હતું.

આ માર્કિંગ બાદ નગરપાલિકા દ્વારા ત્રણ વખત દબાણ દૂર કરવા માટે મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે તેમ છતાં મિલકત ધારકોએ કોઈ વાંધો રજૂ કર્યો ન હતો. જેને કારણે આખરી મુદ્દત હોય નગરપાલિકાની આખી ટીમ ડિમોલિશનની કામગીરી માટે પહોંચી હતી. જ્યાં 12 ગાળાથી શરૂઆત કરી હતી.

બુલડોઝર ફરવાની શરૂઆત થતાં જે કેટલાક મિલકત ધારકોએ સમય આપવાની માગ કરી હતી. જો કે અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી ચાલુ રાખી હતી. ટી.પી.ના ફાઇનલ પ્લોટમાં આવેલ તમામ મિલકતો દૂર કરવામાં આવી રહી છે. અસ્તાન ફાટકથી બાર ગાળા સુધી મિલકતો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે.

જેનાથી વાહન ચાલકોને પણ રાહત થશે. અંદાજતી 25 જેટલી મિલકતો જે સર્વિસ રોડના માર્જિનમાં આવે છે તે દૂર કરવામાં આવી રહી છે. બીજી તરફ કેટલાક મિલકત ધારકોએ સહકાર આપી મિલકતો ઉતારી લીધી હતી. પાલિકાની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે એક પણ ચૂંટાયેલા પદાધિકારીઓ કે પ્રતિનિધિઓ સ્થળ પર જોવા મળ્યા ન હતા.

