બારડોલી કડોદ રોડ પર આવેલા ધામડોદ લુંભા ગામની ઘણી સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી વીજ પાવરનો પ્રશ્ન સતાવી રહ્યો છે. રાત્રિ દરમિયાન લાઈટ ડૂલ થઈ જતી હોય છે. વીજળી મધ્ય રાત્રિએ આવતી હોવાથી લોકોનો રોષ આસમાને હતો.
મંગળવારે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થતાં અકળાયેલા સોસાયટીના રહીશો રાત્રિના 12 વાગ્યે 60થી 70 લોકોનું ટોળુ પહોચી વીજ કચેરીમાં હલ્લો કર્યો હતો. રહીશોનો ઉગ્ર રોષ જોતા પોલીસને પણ બોલાવી પડી હતી. ત્યારબાદ વીજ કંપનીના અધિકારી આવીને ફીડરની અલગ લાઈન કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.
બારડોલીમાં વીજ ધાંધિયાથી લોકો હેરાન છે. દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટના માહોલ બાદ રાત્રીના સમયે પણ ગરમીનો માહોલ યથાવત રહેતો હોય,. ત્યારે વીજળી ડૂલ થઈ જતાં લોકોએ રાત્રીએ ઉજાગરા કરવા પડે છે.
આવી પરિસ્થિતિમાં નાના બાળકોની હાલત દયનિય બની જાય છે. બારડોલીની કેટલીય સોસાયટીમાં લો વોલ્ટેજ અને રાત્રીના સમયે વીજળી ડૂલની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. બારડોલી કડોદ રોડ પર ધામડોદ ગામની સીમમાં આવેલ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી રાત્રીના 10.30 વાગ્યાની આસપાસ પાવર કટ થઈ જતાં 1.30 વાગ્યાની આજુબાજુ આવે છે. આ દરમિયાન લોકો ગરમીને કારણે પરેશાન થઈ જતા હોય છે. પાવર કાપ અંગે વીજ કંપનીમાં ફોન કરતાં, રિસિવ કરતાં ન હોવાની લોકોની ફરિયાદ છે.