Gujarat

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, રાજુલા-સાવરકુંડલા પંથકમાં ધોધમાર ખાબકતાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. જેને પગલે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.

ત્યારે રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડતાં શહેરના માર્ગો અને મુખ્યમાર્ગ ઉપર પાણી ફરી વળ્યાં છે. ગ્રામ્ય વિસ્તાર ડુંગર, દેવકા, કુંભરીયા, હડમતીયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

રાજુલામાં આજે બપોરે 12 વાગ્યા આસપાસ વરસાદ પડ્યો હતો. જે બાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ જાફરાબાદ શહેરમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. તો સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તાર ઘોબા ફિફાદ આદસંગ આંબરડી થોરડી સહિતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં કેટલાક ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અન્ય મોટાભાગે ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

બગસરા શહેરમાં વરુણદેવને મનાવવા માટે બ્રાહ્મણ સમાજની વાડીમાં 15 ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. વધુ વરસાદ અને ખાસ વાવણી લાયક વરસાદ બગસરા પંથકમાં પડે તેમ માટે વરુણદેવને રીઝવવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં વરસાદની જરૂરિયાત હોવાને કારણે કુદરત પાસે યજ્ઞ કરી મેઘરાજાને મનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.