Gujarat

રાજ્યમાં સુવિધાસભર શિક્ષણ માટે શાળાઓનાં 16 હજાર નવા ઓરડાઓનું થઈ રહ્યું છે નિર્માણ

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ધારીના ગીર કાંઠાના અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

તેમજ જીરા અને સરસિયામાં બાળકોને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યું હતું. તેમજ વિવિધ ગામોમાંથી શાળામાં બાલવાટિકા, આંગણવાડી, ધોરણ 1 અને ધોરણ 9માં પ્રવેશતા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે સતત પ્રયત્નશીલ છે. છેવાડા વિસ્તારની શાળાઓમાં પણ સ્માર્ટ ક્લાસરૂમ આપવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં 50000 સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યા છે. 200-300 એમ બે વર્ગની સંખ્યાઓ ધરાવતી શાળાઓને તમામ ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર વહેલી તકે પૂરું પાડવા રાજય સરકારનું આયોજન છે. રાજ્યમાં 16000 નવા ઓરડાઓનું નિર્માણ થઈ રહ્યું છે.

ધોરણ 9માં પ્રવેશતી દિકરીઓના અભ્યાસની ચિંતા કરી અને રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી યોજના હેઠળ ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમા 50000ની સહાય આપવામાં આવશે. કરમદડી, જીરા અને સરસિયા ખાતે સ્થાનિક આગેવાનો અને ટીમ ધારી દ્વારા શિક્ષણ રાજ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓને મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તારલાઓને શૈક્ષણિક ભેટ આપનારા દાતાશ્રીઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. જીરા પે.સેન્ટર ખાતે નવનિર્મીત કમ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.ગોહિલ, નિરવ મિસ્ત્રી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.