ઊના સનખડા ગામના રૂટની એસટીબસ બંધ થયા છાત્રો પરેશાની ભોગવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ઉના થી સનખડા ગામે વહેલી સવારે જતી એસટી બસ બંધ થઇ જતાં આ વિસ્તારના સનખડા, ખત્રીવાડા, ગાંગડા ગામના પચાસથી વધુ વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે ખત્રીવાડા અને સનખડા ગામના છાત્રોને વહેલી સવારે પગપાળા ૨ કિ.મી.દૂર ઊના-ભાવનગર હાઇવે પર આવેલ ગાંગડા ગામ સુધી પહોચે છે. અને ત્યાથી હાઇવે રસ્તા પરથી નાછુટકે ખાનગી વાહનોમાં બેસી વધુ ખર્ચ કરી ઉના સુધી અભ્યાસ માટે આવતા હોય છે. જોકે ધો.૯ થી કોલેજ સુધી અભ્યાસ કરતા છાત્રોને ઉના સુધી અભ્યાસ માટે નાછુટકે આવવું પડતુ હોય આ સીવાય આજુબાજુના ગામના લોકોને પણ વહેલી સવારે આવવા જવા માટે આર્શીવાદ સમાન હોય આથી એસટી બસ શરૂ કરવામાં આવે તો આસાનીથી છાત્રો અને લોકો અવર જવર કરી શકે. કોરોના બાદ અગાઉ આ રૂટ શરૂ થયેલ પરંતુ કોઇ કારણોસર બંધ થઇ ગયેલ હતી. આમ ઉના-સનખડા-ઉના રૂટની બસ તાત્કાલીક શરૂ કરવા આ વિસ્તારના ગામના છાત્રોની માંગણી ઉઠવા પામેલ છે. આ બાબતે ઉના એસટીબસના મેનેજરનો સંપર્ક કરતા તેમણે જણાવેલ હતુ કે છાત્રોના પાસ નિકળવાના બાકી હોય તે નિકળી જશે એટલે સોમવારથી આ રૂટની બસ શરૂ થઇ જશે..


