Gujarat

ઠાસરાના પીપલવાડા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી મુદ્દે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું, બદલી રદ ન થાય તો શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પીપલવાડા તાબેના દિપકપુરા પરા વિસ્તારમાંની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની બદલીના મામલો છેલ્લા ઘણાં દિવસથી ચર્ચામાં આવ્યો છે. શાળાની છતના પોપડા પડવાના મામલે પ્રશાસન દ્વારા બદલી કરી દેવાઈ હતી. જોકે આ બદલીને અટકાવવા ગ્રામજનો આજે સોમવારે બપોરે ખેડા જિલ્લા પંચાયત કચેરી નડિયાદ ખાતે દોડી આવ્યા હતા અને બદલી અટકાવવા આવેદનપત્ર આપી માંગ કરી હતી. આમ નહીં થાય તો તાળાબંધીની પણ ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારાય છે.

ઠાસરા તાલુકાના પીપલવાડા વિસ્તારમાં દીપકપુરા પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં થોડા દિવસ પહેલા શાળાની છતનો પોપડો તૂટીને નીચે પડતા એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા થઈ હતી. આ મુદ્દે વિદ્યાર્થીના માવતરોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા શાળાના મુખ્ય શિક્ષકની તાબડતોબ બદલી માતર તાલુકામા કરવામાં આવી હતી. જેના લઈને ગામના લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે.

આજે સોમવારે ગામના 40થી વધુ ગ્રામજનોએ નડિયાદ ડભાણ રોડ પર આવેલ જિલ્લા પંચાયત કચેરીના પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપી બદલી કરાયેલા શિક્ષકને પુનઃ આ સ્થળે લાવવા માંગ કરી છે. જો આમ નહીં થાય તો શાળાને તાળાબંધી કરવાની ચિમકી પણ ગ્રામજન લક્ષ્મણસિંહ રાઠોડ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રજૂઆત કરવા પહોંચેલા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ મુખ્ય શિક્ષક સારી રીતે કામ કરતા હતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ સારી રીતે કરાવતા હતા. તેમના કારણે અમારા બાળકોના અભ્યાસમાં સુધારો થયો છે માટે અમને આ શિક્ષક પરત જોઈએ છે.