વાપી શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ (848 એમ.એમ.) 34 ઇંચ વરસાદ પડયો છે. આ વરસાદના કારણે મહત્વના માર્ગો પર ખાડાઓ પડયાં છે. વાપીમાં બની રહેલા નવા રેલવે ઓવરબ્રિજની નીચેનો સર્વિસ (રસ્તો) ધોવાયો છે. વાપી ઝંડા ચોકથી ચલા તરફ તથા વાપી આરજીએએસ હાઇસ્કૂલ તરફનો સર્વિસ રોડ પર માત્ર ખાડાઓ જ જોવા મળી રહ્યાં છે. જેના કારણે વાપીના હજારો વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.
વાપી પાલિકા વિસ્તારમાં અનેક મોટા પ્રોજેકટો ચાલી રહ્યાં છે.જેના કારણે વરસાદના આગમન સાથે મોટા વાહનો પસાર થતાં માર્ગો પર ખાડાઓ જોવા મળી રહ્યાં છે. ચોમાસા પહેલા તંત્રએ માર્ગો ન ધોવાય તે મુજબ કામગીરી કરવાની જરૂરિયાત હતી, પરંતુ હાલ સિઝનના અત્યાર સુધીના 34 ઇંચ વરસાદમાં અનેક માર્ગો ધોવાયા છે.
વાપી માર્ગ-મકાન વિભાગની કચેરીથી ચલા સુધી બની રહેલા ઓવરબ્રિજની નીચેના સર્વિસ રોડ માત્ર ખાડાઓ જ જોવા મળી રહ્યાં છે. સૌથી વધારે લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે આમ છતાં માર્ગ-મકાન વિભાગ દ્વારા ટકાઉ સર્વિસ રોડ ન બનાવતાં હાલ લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. વાપી ઝંડા ચોકથી ચલા તરફ તથા વાપી આરજીએએસ હાઇસ્કૂલ તરફનો સર્વિસ રોડ પર માત્ર ખાડાઓથી લોકો તોબા પોકારી રહ્યાં છે. દિવાળીમાં બનેલા માર્ગો પણ બિસ્માર બન્યા છે.
આ માર્ગો સૌથી વધારે ખરાબ વાપી જીએસટી ભવન આગળ મોટા ખાડાઓ, ચલાથી વાપી એસટી ડેપો તરફ આવતાં માર્ગ ,વાપી ખડકલા રોડ, વાપી દેસાઇવાડ રોડ પર ખાડાઓ જોવા મળી રહ્યાં છે. જયારે વાપી શહેરમાં નવો બનતો રેલવે ઓવરબ્રિજ નીચેના માર્ગ સૌથી વધારે ધોવાયો છે. ગત વર્ષે પણ આ રસ્તો ધોવાયો હતો. આ વખતે પણ આ માર્ગ પર કોઇ સુધારો થયો નથી. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની ઓફિસની સામેનો માર્ગ પણ સંપૂર્ણ ધોવાય ગયો છે.

