Gujarat

સૌરાષ્ટ્ર- દ. ગુજરાત પર ભારે વરસાદની ઘાત; અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ધોધમારના એંધાણ

હવામાન વિભાગ દ્વારા આગામી 22 જુલાઈ સુઘી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર એકસાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં ભારે પવન સાથે ધોધમાર વિસ્તારની સંભાવના છે.

જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત હવામાન વિભાગે કરી છે. આ સાથે જ ત્રણ દિવસ ભારે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આજે (19 જુલાઈ) વહેલી સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા છે. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડ્યો છે.

દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે

આગામી ચાર (19થી 22 જુલાઈ) દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની પણ શક્યતા છે. આગામી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

કારણ કે, વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પવનની ગતિ 45થી 55 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. જ્યારે એની ગતિ વધીને 65 કિલોમીટર પ્રતિ કલાક પણ જઈ શકે છે.