ગુજરાત પર ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગાહી વચ્ચે વહેલી સવારથી જ સુરત શહેરમાં વાદળો ઘેરાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. સુરતમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. અઠવાગેટ, પીપલોદ, સિટી લાઈટ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર વિભાગ શરૂ કરવામાં આવ્યો
સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો હતો. જેને કારણે વાતાવરણમાં બફારાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હતું. પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતીલાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.
ચાર દિવસથી વિરામને પગલે ઉભા પાકને પૂરતું પાણી મળી રહ્યું નહોતું. પરંતુ વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ઉભા પાકને પૂરતું પાણી મળી રહેતા હાલ આનંદની લાગણી ખેડૂતોમાં જોવા મળી રહી છે.
બીજી તરફ કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાંથી રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી છે. આ સાથે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

