Gujarat

યાત્રાધામ દ્વારકાની મધ્યમાં સ્થિત રાવળા તળાવ છલોછલ ભરાયુ

યાત્રાધામ દ્વારકામાં લગભગ એક સપ્તાહ સુધી અવિરત ભારે વરસાદે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જી દિઘી હતી.રેકર્ડબ્રેક ગણાતા ચાલુ વર્ષના ભારે વરસાદના કારણે પંથકના તમામ નદી-નાળા છલોછલ થયા છે.

દ્વારકા શહેરમાં તાજેતરના ભારે વરસાદને કારણે શહેરના પ્રાચીન કુંડો, તળાવ વગેરે વરસાદના નવા નીર સાથે છલકાઈ ગયા છે અને ધર્મનગરી વર્ષારાણીથી તરબોળ થઈ ગઈ છે ત્યારે દ્વારકા નગરપાલિકા દ્વારા ડેવલપ કરાયેલું રાવળા તળાવ વરસાદી પાણીના નવા નીર છલકાયું છે. દ્વારકાના હાર્દસમા રાવળા તળાવનું નયનરમ્ય દ્રશ્ય શહેરીજનોને પણ પુલકિત કરી રહયુ છે.

જયારે ભારે વરસાદને કારણે શહેરના પૌરાણિક ગણતા કૃકલાસ કુંડમાં વરસાદી પાણીના નીર આવતા કૃકલાસ કુંડ છલકાયો છે. કૃકલાસ કુંડ છલકાઈ જતા દ્વારકાના તરવૈયા યુવાનો આ કુંડમાં ન્હાવાનો આનંદ લેતા જોવા મળે છે. પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કૃકલાસ કુંડનું માહાત્મ્ય શ્રીમદભાગવત એવમ સ્કંદપુરાણમાં નિર્દિષ્ટ રાજા નૃગના આખ્યાન સાથે જોડાયેલું છે.