Gujarat

ખરચી પાસે યુવાનનો જીવ બચાવનારા પોલીસકર્મીનું એસપીના હસ્તે સન્માન

ભરૂચ જિલ્લામાં ગત સપ્તાહે થયેલાં ભારે વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. ઝઘડિયાના ખરચી ગામ નજીક ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ શ્રીરામ કંપનીમાં ફરજ બજાવતા તુષાર પટેલ ( રહે. જુના કાંસીયા) નાઇટ શીફટ કરી એકટીવા પર ઘરે જઇ રહયો હતો તે સમયે માંડવાવાળા રોડ પર વિકાસ હોટલની પાછળ તે મોપેડ સાથે વરસાદી પાણીમાં ખેંચાવા લાગ્યો હતો. ઘટનાની જાણ મુલદ પોલીસ ચોકી પર ફરજ બજાવતા જયેશ મણીલાલ પ્રજાપતિનાઓને જાણ થતા તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ તુષારને હેમખેમ બહાર કાઢયો હતો. પોલીસકર્મીઓની આ કામગીરીની ભરૂચ એસપી મયુર ચાવડાએ સરાહના કરી છે. આ અવસરે જિલ્લા ટ્રાફિક પીઆઇ ભાવના મહેરીયા પણ હાજર રહયાં હતાં. બીજી તરફ ડીસીએમ કંપની તરફથી પણ પણ પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયાં હતાં.