સામંતપોરની સીમમાં આવેલ કંપનીમાં નોકરી કરતો યુવક પાણી પીવા ગયો હતો ત્યારે લોડિંગ વાહને ટક્કર મારી
આ પહેલા પણ આ કંપનીમાં એક કર્મચારીનો અકસ્માત થયો હતો જેને પગમાં ગંભીર ઈજા થઈ હતી
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સામંતપોર ગામની સીમમાં આવેલ એક કાર્બન કંપનીમાં નોકરી કરતા યુવકનું એક લોડિંગ વાહનની અડફેટે કરૂણ મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ વાગરા તાલુકાના સામંતપોર ગામની સીમમાં આવેલ કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં વાગરા તાલુકાના અંભેર ગામનો સંજય નટવરભાઇ વસાવા નામનો ૨૮ વર્ષીય યુવક ગામના અન્ય યુવકોની સાથે નોકરી કરે છે.

દરમિયાન ગતરાત્રીના સવા ત્રણ વાગ્યાના અરસામાં સંજય વસાવા કંપનીના લોડિંગ પોઇન્ટની નજીક પાણીના કુલરે પાણી પીવા ગયો હતો, સંજય પાણી પીને લોડિંગ પોઇન્ટ તરફ પાછો ફરતો હતો તે દરમિયાન કંપનીમાંથી લોડિંગ કરીને નીકળેલ એક વાહનના ચાલકે સંજયને અડફેટમાં લીધો હતો. અકસ્માત બાદ વાહનચાલક ત્યાંથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં સંજય વસાવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે કંપનીની એમ્બ્યુલન્સમાં ભરૂચ લઇ જવાયો હતો,જ્યાં ફરજ પરના તબીને ઇજાગ્રસ્ત સંજયને સવારના ૪-૧૦ કલાકે મરણ પામેલ જાહેર કર્યો હતો.
અકસ્માતની આ ઘટના સંદર્ભે હરેશ ભીખાભાઈ પટેલ રહે.અંભેર તા.વાગરા જિ.ભરૂચનાએ દહેજ પોલીસમાં અકસ્માત સર્જનાર લોડિંગ વાહનના ચાલક બબલુ રહે.રાજસ્થાનના વિરૂધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં ત્રણ મહિના અગાઉ પણ અકસ્માત સર્જાયો હતો જેમાં કામદાર ને પગમાં ઈજા પહોંચતા હાલમાં પણ ખાનગી હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યો છે.ત્યારે કંપની ધ્વારા વાહન ચલાવવા લેવામાં આવતા કામદારો પાસે લાયસન્સ છે કે નહીં તેમજ તેઓને વાહન હંકારતા આવડે છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવે તે જરૂરી બન્યું છે જેથી કંપનીમાં આવા અકસ્માત સર્જાય નહિ અને નિર્દોષ કામદાર જીવ ગુમાવે નહિ તેની તકેદારી કંપની સત્તાધીશોએ રાખવાની જરૂર છે.
વિરલ ગોહિલ, ભરૂચ

