Gujarat

કચ્છમાં વરસાદના વારની કળ વળી નથી ત્યાં રાપર સહિત વાગડ વિસ્તારમાં વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો

રાજ્યની સાથે કચ્છમાં પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાયું છે. ત્યાં આજે વહેલી સવારે તાલુકા મથક રાપર સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારના છ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે બાદ જોરદાર ઝાપટા રૂપે વરસી પડ્યો હતો. અંદાજીત એક કલાકમાં દોઢથી બે ઈંચ પાણી પડી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

કચ્છમાં સાતમ આઠમથી વ્યાપકપણે વરસેલા વરસાદે જિલ્લામાં ભારે તારાજી સર્જી હતી. સતત પાંચ દિવસ સુધી મેઘરાજાએ પુષ્કળ જળરાશી વરસાવી દેતા પશ્વિમ કચ્છના ભુજ, મુન્દ્રા, માંડવી, લખપત અને અબડાસા તાલુકામાં ખેતી, રોડ રસ્તા, વીજ લાઈન સહિતના સ્થળે કરોડો રૂપિયાની ખાના ખરાબી સર્જી દીધી છે.

તેની કળ હજી વળી નથી ત્યાં સલામત રહેલા વાગડ વિસ્તારમાં હવે આજે વરસાદ શરૂ થયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. જોરદાર વરસાદના લીધે શેરીઓ તથા મુખ્ય બજારમાંથી પાણી વહી નિકળ્યા હતા.

વાગડ વિસ્તારના લગભગ ગામોમાં વરસાદના જોરદાર ઝાપટા નોંધાયા હતા. સમગ્ર તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. ચાર-પાંચ દિવસના વિરામ વચ્ચે આ વરસાદ ખેતી માટે ફાયદાકારક સાબિત થાય તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.