મોટી પાનેલી પાસેનું તળાવ ઓવરફ્લો થતાં પાણીના માર્ગમાં પુલ બનાવવાની સરકારમાં લેખિત રજૂઆત.. પ્રાર્થનાબેન જોશી
જામજોધપુર તાલુકાના બગધરા ગામના વતની પ્રાર્થનાબેન જોશી એ મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે કે ચોમાસા ઋતુ દરમિયાન મોટી પાનેલી પાસેનું તળાવ ઓવરફ્લો થતાં ચાર-ચાર દિવસ સુધી રોડ ઉપરના પાણી ઘટતા નથી જેને કારણે પાનેલીથી સાતવડી, માંડાસણ, બુટાવદર, બગધરા, સડોદર અને સમાણાને જોડતો મુખ્ય રસ્તો બંધ થઈ જાય છે
તળાવ ઓવરફ્લો થવાના કારણે પાણી ચાર-ચાર દિવસ સુધી ઓસરતા (ઘટતા) નથી. રસ્તા ઉપર પેદલ કે વાહન વ્યવહાર તમામની અવરજવર બંધ થઈ જાય છે.
વર્ષાઋતુના આ સમયગાળામાં અચાનક આકસ્મિક બીમારી, હૃદયની બીમારી, યાતો એકસિડન્ટલી કેઇસ યા સગર્ભા સ્ત્રીઓના ડીલેવરી કેઇસ બાબતે મોટી પાનેલી યાતો ઉપલેટા સુધી જવામાં કદાચ વ્યક્તિ જીવ પણ ગુમાવી બેસે, કારણ રસ્તો પાણીના પ્રવાહને કારણે સદંતર બંધ થઈ જાય છે. તાજેતરમાં એક સગર્ભા સ્ત્રીને ડીલેવરી કેઇસમાં જીવ સટોસટની બાજી ખેલતા ખેલતા જેસીબી દ્વારા પાણીના સામે પાર એમ્બ્યુલન્સની વ્યવસ્થા સાથે યાંત્રિક સાધનોની મદદથી જીવના જોખમે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવેલ.
માટે આ ડેમના કાઢ્યામાંથી નીકળતા ધસમસતા વેગ સાથેના પાણીના પ્રવાહ ઉપર વર્ષો જૂની માગણી મુજબ પુલ બનાવવામાં આવે તેવી આજુબાજુના તમામ ગામડાઓના લોકોની કરબદ્ધ વિનંતી સાથે લાગણી અને માગણી છે. આવી અસહ્ય યાતનાઓને કારણે મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં જણાવેલ કે આપના લાગતા વળગતા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી જનહિતના લાભાર્થે યોગ્ય ઘટતું કરવા વિનંતી. વધુમાં આ વિસ્તારના ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રી સાથે મળી આ જટીલ સમસ્યા સત્વરે હલ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેવું લોકો ઇચ્છી રહ્યા છે. તેવું પ્રાર્થનાબેન જોશીની અખબાર યાદી જણાવે છે.
રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર





