વિસાવદર પોલીસ સ્ટેશનમાં નવા પી.આઈ. નું સ્વાગત અને બદલી પામેલ પી.આઇ.નો વિદાય સમારંભ યોજાયો
તા.૫-૯-૨૦૨૪ ના રોજ વિસાવદર પોલીસ સ્ટેશનના મિટિંગ હોલમાં પોલીસ કર્મીઓ અને શહેરના પ્રબુધ્ધ નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે બદલી પામેલ પી.આઈ.શ્રીના સ્વાગત અને વિદાય સમારંભ યોજાયેલ.
સૌ પ્રથમ વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી એ ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કરેલ. બાદ બદલી પામેલ પી.આઈ.શ્રીઆર.બી.ગઢવીને નવા આગંતુક પી.આઇ. શ્રીઆર.એસ. પટેલે પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવેલ. એ જ રીતે આર.બી.ગઢવીએ આર. એસ. પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરેલ.
ત્યારબાદ વિસાવદર પોલીસ સ્ટેશનના જવાનોએ સાથે મળી શ્રી આર.બી.ગઢવીને શુકનવંતુ શ્રીફળ, સાકરનો પડો, ગિફ્ટ આર્ટીકલ્સ, મોમેન્ટ પુષ્પમાળા અને શાલ ઓઢાડી સન્માનિત કરી વિદાય સમારંભને એક સંભારણું બનાવેલ.
ત્યારબાદ સ્ટાફ જવાંમર્દ જવાનો રાજુભાઈ રાઠોડ, મોરીભાઈ તથા અમીનભાઇએ જાંબાજ પી.આઇ.શ્રીની વિદાય વેળાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે ગઢવી સાહેબના માર્ગદર્શન અને કાયદાકીય ક્રાઇમ બાબતે જરૂરી સૂચનાઓ અમારા માટે ઘણા ઉપયોગી બની રહેશે. ગઢવી સાહેબનો પોલીસ સ્ટાફ સાથેનો પારિવારિક વ્યવહાર હંમેશા યાદ રહેશે. ત્યારબાદ શહેરના પત્રકાર કેયુરભાઈ અભાણીએ જણાવેલ કે ગઢવી સાહેબે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલ કામગીરી, કાયદો અને વ્યવસ્થાની તારીફ કરેલ. કોમી એકતાના ભાગરૂપે હિંદુ મુસ્લિમ ધર્મના ત્યૌહારો, પ્રસંગો સુખરૂપ સંપન્ન થાય તેવા હંમેશા પ્રયત્નો કરેલા.
ત્યારબાદ નવા આગંતુક પી.આઈ. આર.એસ.પટેલે જણાવેલ કે આર.બી.ગઢવીના નેતૃત્વ નીચે વિસાવદર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી, સ્ટાફ તથા શહેરીજનો સાથેનો વ્યવહાર જાણી રાજીપો વ્યક્ત કરેલ.
પ્રત્યુતરમાં વિદાય લઇ રહેલા પી.આઇ.ગઢવી એ જણાવેલ કે વિસાવદર પોલીસ સ્ટેશનના જવાનોનો મળેલો સહયોગ, ટીમ વર્ક સાથેની કામગીરી તેમજ શહેરના પ્રતિષ્ઠિત લોકોનો પ્રેમ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. અને પોતાના ભૂતકાળના દિવસોને વાગોળી પોતાની વફાદારી સાથેનું કર્તવ્ય નિભાવી સૌના સહકાર બદલ આભાર વ્યક્ત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સી.વી.જોશી એ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા પો.કો.વિપુલભાઈ ઠુંમર તથા તેમની ટીમ એ સારી એવી જહેમત ઉઠાવેલ. અંતમાં પોલીસ જવાનો તથા શહેરીજનોએ બંને પી.આઇ.શ્રી ઉપર પુષ્પવૃષ્ટિ કરી પ્રસંગને યાદગાર બનાવેલ.
*સી. વી. જોશી વિસાવદર*







