Gujarat

ભાદરવી પૂનમના મેળા માટે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવાશે, ટ્રસ્ટ દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી પુરજોશમાં

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે.

ત્યારે અંબાજી મહામેળામાં આવતા તમામ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 1000 ઘાણ એટલે કે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે.

યાત્રાધામ અંબાજી ખાતે મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી

 

અંબાજીની નવી કોલેજ ખાતે પ્રસાદઘરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ મોહનથાળ બેસન, દૂધ, બનાસ ઘી, ખાંડ, ઈલાયચીથી બની રહ્યો છે. અહીં કામ કરતા કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

પ્રસાદ બની ગયા બાદ તેને ચોકીમાં પાથરવામાં આવે છે. ત્યાર બાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને પછી મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવશે.