Gujarat

બેડલામાં રૂ. ૯૯ લાખના ખર્ચે ચેકડેમનું કામ પૂર્ણઃ જળસંગ્રહ થવાથી ગામને થશે ફાયદો

રાજ્યના જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના નિર્દેશ મુજબ, રાજકોટ જિલ્લામાં નાની સિંચાઈના કામો પૂરઝડપે થઈ રહ્યા છે. રાજકોટના બેડલામાં રૂપિયા ૯૯ લાખના ખર્ચે ચેકડેમ તેમજ ઉપલેટાના કુંઢેચમાં પૂરથી તૂટેલા ચેકડેમનું રિપેરિંગ પૂર્ણ થઈ ગયું છે. જેનાથી જળસંગ્રહ થવાથી આસપાસના લોકોને ફાયદો થશે.

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં હાલમાં રાજકોટ સિંચાઈ વર્તુળમાં ચાલતા નાની સિંચાઈના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, રાજકોટના બેડલા પાસે રૂ.૯૯.૮૬ લાખના ખર્ચે ચેકડેમની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેનાથી ૨.૨૦ મીટર ઘટફૂટ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના ગામલોકોને ફાયદો થશે, જમીનના તળ સાજા થશે તેમજ પશુઓને પણ પીવા માટે પાણી મળી રહેશે.

જ્યારે ઉપલેટાના કુંઢેચ ગામ પાસે પૂરના કારણે તૂટી ગયેલા ચેકડેમનું રિપેરિંગ પૂર્ણ થઈ ગયું છે. જેનાથી આસપાસના નવ ગામોને લાભ થશે. આ ચેકડેમમાં ૧૨.૩૦ મીટર ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે તેમજ ભૂગર્ભ જળ રિચાર્જ થતાં પાણીના તળ ઊંચા આવશે.

આ ઉપરાંત રાજકોટના રામપરા (બેટી) પાસે રૂ.૨.૪૧ કરોડના ખર્ચે બની રહેલા ચેકડેમની કામગીરી ૯૫ ટકા પૂર્ણ થઈ ગઈ છે. આ ચેકડેમ બનતાં ૨૨મીટર ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે તેમજ ભૂગર્ભ જળ રિચાર્જ થતાં પાણીના તળ ઊંચા આવશે. ઉપરાંત આસપાસના ૧૦થી ૧૨૩ કુવાઓમાંથી પાણીનો સિંચાઈ માટે ઉપયોગ થઈ શકશે.

આ બેઠકમાં રાજકોટ સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર સુશ્રી પ્રેક્ષા ગોસ્વામી, રાજકોટ સિંચાઈ યોજના વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી ભાવિન ભીમજીયાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.