Gujarat

સુરતથી 13 વર્ષીય કિશોરીનું અપહરણ કરી અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફર્યો, પોલીસે હૈદરાબાદથી પકડ્યો

સુરતના મહિધરપુરા પોલીસે 14 વર્ષીય સગીરાના અપહરણના ગુનાના આરોપીને હૈદરાબાદથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના ચુંગાલમાંથી સગીરાને છોડાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં તારીખ 14/8/2024 ના રોજ એક અપહરણનો ગુનો નોંધાયો હતો.

જેમાં મહિધરપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાનું અપહરણ થયું હતું. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી.

પોલીસને બાતમી મળી હતી કે, સગીરાને એક શખસે ભગાડીને લઇ ગયો છે. સગીરાને ભગાડી જનાર મોહમ્મદ નૂરબાબુ બદરૂદ્દીન સૈયદ સગીરાને સાથે રાખી પોતાની ધરપકડ ટાળવા ભારતના અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફરતો હતો.

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, તે હાલમાં હૈદરાબાદ તેલંગાણા રાજ્યમાં છુપાયેલો છે જેથી પોલીસની ટીમો હૈદરાબાદ પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.