લોકોને સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી સરકારની ૫૫ જેટલી સેવાઓ સ્થળ ખાતેથી ઉપલબ્ધ બનશે
જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા
જિલ્લામાં તમામ જગ્યાએ કાયમી સ્વચ્છતા જાળવવા જિલ્લા કલેકટરનો અનુરોધ
જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને સેવાસેતુ અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે બેઠક યોજાઇ
રાજ્ય સરકાર દ્વારા છેવાડાને માનવીને વિવિધ યોજનાકીય સહાય અને લાભો સ્થળ ઉપર જ સમયસર મળી રહે તે માટે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. આ સાથે “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” અભિયાન અંતર્ગત તા.૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.
સેવાસેતુ કાર્યક્રમ અને “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” અભિયાનના સુચારૂ આયોજન અને અસરકારક અમલીકરણ અર્થે છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના ૧૩ વિભાગોની વિવિધ ૫૫ જેટલી યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા સબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.
કલેક્ટરએ જિલ્લામાં કોઈ પણ લાભાર્થી બાકી ન રહી જાય તે જોવાનું જણાવીને સ્વચ્છતા હી સેવા અભિયાનના આયોજનની સમીક્ષા કરી હતી. આ તકે કલેક્ટરએ જિલ્લાવાસીઓને કાયમી સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

