Gujarat

વાલિયા રોડ પર CM એકેડમી સ્કૂલમાં સ્વિમિંગ પુલનો સ્લેબ ભરતી વેળા પડ્યો 23 શ્રમિકોને ઇજા

ચંદ્રબાલા મોદી એકેડમી શાળાના પાછળના ભાગે બની ઘટના અંકલેશ્વર-વાલિયા રોડ એમ્બ્યુલન્સના સાયરનોથી ગુંજી ઉઠ્યો
ઇજાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે જ્યાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા
એક પણ શ્રમિક ગંભીર નહિ હોવાની હાલ સાંપડતી વિગતો કલેકટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા
સ્લેબ નીચે હજી કોઈ દટાયેલ નથી તેની પુષ્ટિ હાથ ધરાઈ
ભરૂચમાં વિસર્જનના દિવસે જ અંકલેશ્વર વાલિયા રોડ પર CM એકેડમી સ્કૂલમાં મોટી હોનારત સર્જાતા રહી ગઈ છે. સ્વિમિંગ પુલનો સ્લેબ ભરતા તૂટી પડતા 23 શ્રમિકોને ઇજા પોહચી છે.
અંકલેશ્વર વાલિયા રોડ પર કોંઢ ગામ નજીક આવેલી ચંદ્રબાલા મોદી એકેડમી સ્કૂલમાં આજે મંગળવારે બાંધકામની કામગીરી ચાલી રહી હતી.
શાળાના પાછળના ભાગે ઇન્ડોર સ્વિમિંગ પુલ બની રહ્યું છે. જેમાં આજે સ્લેબ ભરવામાં આવી રહ્યો હતો. RCC સ્લેબ ભરતી વેળા અચાનક ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો હતો.
સ્લેબ નીચે શ્રમિકો દબાઈ જતા અફરાતફરી મચી ગઇ હતી. CM એકેડમીના સત્તાધીશોએ ઘટનાની જાણ 108 ને કરવામાં આવી હતી.
પોલીસ અને પ્રશાસનને પણ દુર્ઘટના અંગે જાણકારી મળતા વિસર્જન બંદોબસ્તમાં રહેલા પોલીસ અધિકારી અને કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
ભરૂચ કલેકટર તુષાર સુમેરાને પણ ઘટનાના મેસેજ મળતા તેઓ ઘટના સ્થળે પોહચ્યા હતા. જ્યાંથી હોસ્પિટલ જઈને પણ ઇજાગ્રસ્તોની માહિતી મેળવી હતી. એમ્બ્યુલન્સના ગુંજતા સાયરનો વચ્ચે એક બાદ એક ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સ્થળ પર હેડ કાઉન્ટ કરવા સાથે રજીસ્ટર્ડ જોઈ કેટલા શ્રમિકો સ્થળ પર હતા. હજી કોઈ શ્રમિક સ્લેબ નીચે દબાયેલ તો નથી સહિતની તપાસ આરંભાઈ છે. જે બાદ ઘટના કઈ રીતે બની તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. હાલ તો હોસ્પિટલમાં 23 ઇજાગ્રસ્ત શ્રમિકોની સારવાર ચાલી રહી છે. અને શાળા ખાતે દુર્ઘટના સ્થળ સ્લેબ નીચે શોધખોળની ગતિવિધિ કરવામાં આવી રહી છે.
વિરલ ગોહિલ, ભરૂચ