છોટાઉદેપુર જિલ્લાના પાવી-જેતપુર તાલુકાનાં મોટીખાંડી ગ્રામ જૂથ પંચાયતના ગુંદી ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત કચરાના વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડ અને કંપોસ્ટ પીટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તાલુકા સદસ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરાના યોગ્ય વ્યવસ્થાપન હેતુ કંપોસ્ટ પીટ અને સેગ્રીગેશન શેડ બનાવવામાં આવે છે.સેગ્રીગેશન શેડનો મુખ્ય ઉપયોગ ગામમાંથી એકત્ર થયેલ સૂકો અને ભીનો કચરાને અલગ-અલગ કરવાનો છે. જેમાં ભીનો કચરો સેગ્રીગેશન શેડ પાસે બનાવેલ કમ્પોસ્ટ પીટમાં નાખી ખાતર બનાવવામાં આવે છે. જ્યારે સૂકો કચરો સેગ્રીગેશન શેડમાં બનાવેલ સ્ટોર રૂમમાં એકત્ર કરી રીસાઈક્લર કરતી કંપનીઓ અથવા એજન્સીઓને વેચી દેવામાં આવે છે.

આ પ્રસંગે તાલુકા સદસ્ય અને ગ્રામ્યજનોએ સ્વચ્છતા શપથ લીધા હતા. સાથે સાથે ગામજનોને સ્વચ્છતા વિશે માર્ગદર્શન પણ આપ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

