જુનાગઢ ડી.ડી.ઓ.ને ત્રણ વર્ષના મંજૂર થયેલા રોડ રસ્તાના કામો તાકીદે પૂર્ણ કરવા રજૂઆત પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા
(માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તકના મંજૂર થયેલા ૧૩૦ કરોડ રકમના કુલ ૭૬ કામો તાકીદે પૂર્ણ કરવા લેખિત રજૂઆત)
૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારના માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તકના ડામર કામ, નાલા, પુલિયા, મેજર બ્રિજ, સુવિધાપંથ, તેમજ કાચામાંથી ડામર રોડ જેવા કામો ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વર્ષ ૨૦૨૧ – ૨૨ અને છ મહિના પહેલાના મોટી રકમના લોક ઉપયોગી જાહેર માર્ગોના કામો મારા ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન મંજુર થયેલ.
પરંતુ માર્ગ મકાન વિભાગની ઢીલાશ અને કોન્ટ્રાક્ટરની મનસ્વિતાને કારણે બે ત્રણ વર્ષ પહેલા મંજૂર થયેલા કામો ક્યાંક કામ અધૂરા, ઘણામાં ડામર કામ બાકી છે. તે પૈકી મંજુર થયેલા મોટાભાગના કામો ચાલુ જ નથી થયા. એક વર્ષ પહેલા આ કામો ચાલુ કરાવવા માર્ગ, મકાન પંચાયત વિભાગને લેખિત રજુવાતો કરેલ. પણ આ કામો ચાલુ થતા નથી. જેથી અત્યારે આ રસ્તાઓની હાલત એટલી ખરાબ છે, કે ઘણાખરા રોડમાં તો ડામર જ નથી રહ્યો. ધૂળની ડમરીઓ ઉડે છે. વાહન ચાલકો તેમજ આ રસ્તાઓ પર અવર જવર કરતા લોકો ત્રસ્ત થઈ ગયા છે. ને લોકો પણ અમને સવાલ પૂછે છે કે, તમે ત્રણ વર્ષ પહેલા કહેતા હતા કે આ રસ્તા મંજુર થઈ ગયા છે. જ્યારે હજુ સુધી કામ કેમ ચાલુ નથી થયું ? પણ આપના વિભાગના કારણે અમારે આગેવાનોએ સાંભળવું પડે છે. તો વહીવટી તંત્રને ગામડાના વિકાસ રૂંધાય તેમાં શું ફાયદો છે ? કેમ ગામડાના થતા વિકાસને અટકાવવામાં આવે છે ?
વધુમાં હર્ષદભાઈ રીબડીયાએ જણાવેલ કે માર્ગ, મકાન પંચાયત વિભાગના કુલ ૧૩૦ કરોડની માતબર રકમના કુલ ૭૬ કામોની વિગત જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મોકલેલ છે. સાથો સાથ જણાવેલ કે મને લેખિતમાં જવાબ આપશો કે કોઈપણ કામના જોબ નંબર આવ્યા પછી કેટલા મહિનામાં કામ ચાલુ થાય. અને ઉપરોક્ત કામોમાં વિલંબ થવાનું કારણ શું ? અને આ તમામ કામો ક્યારે પૂર્ણ થશે તે મારા મત વિસ્તારના લોકો વતી મારી અરજ છે કે ઉપરોક્ત કામો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી આપ સાહેબ દ્વારા આપના વિભાગ માર્ગ મકાન પંચાયતને આદેશ કરી તાત્કાલિક કામ ચાલુ થાય, તેવો અનુરોધ કરેલ. તેમ પૂર્વ ધારાસભ્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
*સી. વી. જોશી વિસાવદર*





