ઝાલોદ નગરમાં પોલિસ દ્વારા ડ્રોન ઉડાવી વિવિધ વિસ્તારોની સુરક્ષા અંગે ચકાસણી કરી
દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ ઝાલોદ ઝોનના ડી.વાય.એસ.પી પટેલ દ્વારા નગરના વિવિધ વિસ્તારોની સુરક્ષા તેમજ અસામાજિક તત્વો પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારથી હવાઇ રેન્જ મુજબ અંદાજીત ચાર કિલોમીટરના વિસ્તારમાં આ ડ્રોન કેમેરા દ્વારા બારીકાઈ થી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ ડ્રોન કેમેરા થી નગરમાં ગરબે ઘૂમતા દરેક વિસ્તારો તેમજ આજુબાજુના ખુલ્લા વિસ્તારોમાં ડ્રોન દ્વારા બારીકાઈ થી નજર રાખવામાં આવી હતી આ ડ્રોન કેમેરા દ્વારા અલગ અલગ દરેક વિસ્તારોના બારીકાઈ થી જોઈ ફોટા પાડી સુરક્ષાની ખાતરી કરવામાં આવી હતી. પોલિસ દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ કે બીના ન બને તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. આ ડ્રોન કેમેરા થી ખુલ્લા માર્ગો પર ચાલતા ફરતા લોકો પર વિશેષ નજર રાખવામાં આવી હતી.
દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા નગરના ગરબા ગ્રાઉંડ પર તકેદારીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા તેમજ ગરબા ઉત્સવોમા ચકાસણી કરવા માટે આવ્યા હતા. દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા વિશ્વકર્મા મંદિર પર રમાતા ગરબા તેમજ પોલિસ ગ્રાઉંડના ગરબા મહોત્સવનો લ્હાવો લીધો હતો.
તેમજ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. વિશ્વકર્મા મંદિર પર દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષકનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ઉપસ્થિત દરેક અધિકારીનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઝાલોદ પોલિસ તંત્ર નવરાત્રીના દિવસોમા સતત પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા ન બગડે તેની વિશેષ તકેદારી રાખી રહેલ છે.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

