આશરે ૧૫૦ વિદ્યાર્થીઓને મેળવી કારકિર્દી ઘડતરની દિશા
રાજ્ય સરકારે ગુજરાતના બાળકોના શ્રેષ્ઠ ભાવિ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જેના અનુસંધાને વિદ્યાર્થીઓ પોતાની આવડત અને કૌશલ્યને સાચી દિશા આપી શકે તે માટે રાજકોટ રોજગાર કચેરી દ્વારા શ્રી કેતન કન્યા વિદ્યાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં શાળાના ધોરણ ૯ અને ૧૨ના કુલ મળીને આશરે ૧૫૦ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી ઘડતર અંગે જરૂરી તમામ માહિતી અપાઈ હતી.
આ તકે રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલરશ્રી રાજેશભાઈ ચૌહાણ અને શ્રી પ્રવીણભાઈ ખીમસુરીયાએ વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દીમાં યોગ્ય દિશા અપનાવવા વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું હતું. અને એમ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અંગે જાણકારી તથા વિદેશમાં શિક્ષણ અને રોજગારી માટે પાસપોર્ટ, વિઝા અને વિદેશ અભ્યાસ માટે લોન અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. અને રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલરશ્રી તન્વી ત્રિવેદીએ શાળાના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી., સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ તકે શાળાના આચાર્યશ્રી કે.પી.હિરપરા,શિક્ષકશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

