Gujarat

આજે સાવરકુંડલા શહેરમાં વિજયાદશમી નિમિત્તે ફરસાણ મીઠાઈની દુકાનોમાં ખરીદી કરતાં શહેરીજનો.. આમ તો વિજયાદશમી પર્વ એટલે અસત્ય પર સત્યનો વિજય મનાવવાનું પર્વ

ભારતીય કેલેન્ડર પ્રમાણે આ વખતે તિથિઓ સવારથી રાત્રિ સુધી આખો દિવસ આવતી નથી. જેમ કે ગઈકાલ  હવનાષ્ટમી,દુર્ગાષ્ટમી નિમિત્તે માતાજીના હવન થયા હતા તેમજ ઘરે ઘરે પરંપરાગત ઘંઉની લાપસી,ખીચડી,બાફેલા મગ, તલવટ, નારિયેળ વગેરેના નૈવેદ્ય માતાજીને ધરાવીને અનેક પરિવારોએ ભેગા મળીને પ્રસાદ લીધા હતા. સદીઓથી ઘરે ઘરે માતાજીના ગરબાનું સ્થાપન થતું હોય છે. આજે  સવારે ૧૧ વાગ્યે શાસ્ત્રોક્ત રીતે નવરાત્રિની પૂર્ણાહુતિ થાય છે અને દશેરાનો આરંભ થાય છે જે રવિવારે સવાર સુધી ચાલશે. આમ, માતાજીની ભક્તિનું પર્વ આજે  પૂર્ણ થાય છે.
સાવરકુંડલાના  વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ખીરા તથા અનિલભાઈ ખીરા ના મતે ગરબો વળાવવાનું મૂહુર્ત શનિવાર સાંજે ૬-૧૯ થી ૭-૫૧ કલાક સુધી રહેશે. સાવરકુંડલા શહેરમાં આજરોજ ઉત્સાહ અને ઉમંગ વધારતું વિજયાદશમીનું પર્વ ધામધૂમથી અને પરંપરાગત રીતે ઉજવાતું જોવા મળેલ. આજે વિજયાદશમી પર્વના દિવસે સાવરકુંડલાના શહેરીજનો ફાફડાં,જલેબી સહિત વિવિધ ફરસાણ અને મિઠાઈની ખરીદી કરવા માટે પડાપડી કરતાં જોવા મળ્યા.જો કે હવે દિનપ્રતિદિન મિઠાઇ સાથે કુછ મીઠા હો જાયે એવી ચોકલેટ અને બેકરી પ્રોડક્ટ પણ વેચાણ થતી જોવા મળે છે. શહેરમાં ઠેર ઠેર કંદોઈઓની દુકાને મંડપ નાંખવામાં આવ્યા છે.આજે વિજયાદશમી પર્વ પર શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાશે.
બિપીન પાંધી