Gujarat

સા.કુંડલાના આંબરડી સહિત વિસ્તારોમાં વીજળીના ભયાનક કડાકાએ લોકોને ભયભીત કરી દીધા

આજ સુધી વીજળીના આવા કડાકા લોકોએ ક્યારેય સાંભળ્યા નથી.બગોયા ગામે વીજળી પડતાં કીમતી ભેંસનું મોત,  ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાન/આંબરડી – અભરામપરા વચ્ચે તોતિંગ વૃક્ષ પડતાં રસ્તો બંધ થયો
વરસાદની વિદાય વેળાએ સાવરકુંડલા પંથક સહિત જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં આજે બપોરે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને પવન ધીમી ગતિ સાથે વીજળીના ભયાનક કડકાઓ શરૂ થયા હતા. પૂરા ચોમાસા નહિ પરંતુ અગાઉ ક્યારેય સાંભળ્યા ન હોય તેવા ડરામણા દૃશ્યો જોવા મળ્યા હતા. સતત ૧ કલાક સુધી થયેલા વીજળીના કડાકા એટલા ભયાનક હતા કે લોકો પણ હતપ્રત બની ગયા હતા અને બાળકોમાં મીઠી કિકિયારીઓ સતત શરૂ થઈ હતી.  સામાન્ય રીતે ચોમાસા દરમિયાન થતા વીજળીના કડાકા સાંભળતા હોય છે.
પરંતુ આજે આકાશમાંથી સ્પાર્કલિંગ કરંટ કંઈક અલગ જ જોવા મળ્યો હતો. ૧ કલાક સુધી થયેલા વીજળીના કડાકા એ વાતાવરણ ભયભીત કરી દેતાની સાથે સન્નાટો છવાયો હતો અને વીજળીના ડરામણા કડાકાએ સામ્રાજ્ય જમાવ્યું હતું. આંબરડી નજીક આવેલ બાગોયા ગામે બચુભાઈ દરબારની માલિકીની ભેંસ ઉપર વીજળી પડતા કીમતી ભેંસનું મોત થયું હતું.
તો વીજળીથી કેટલાય ઇલેક્ટ્રિક ઉપકરણોને પણ નુકશાન થયાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.તો આંબરડી – અભરામપરા વચ્ચે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયુ હતુ. વરસાદ અને પવનથી ખેતીપાકને નુકસાન થવા પામેલ. સદનસીબે અન્ય કોઈ જાનહાની થયેલ નથી એમ સુભાષ સોલંકીની એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી