Gujarat

જટિલ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ આશાનું કિરણ બનતું આયુર્વેદ

ગઈકાલે ધન્વંતરિ જયંતી ઉજવવામાં આવી હતી, જેને સરકાર પણ “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” તરીકે ઉજવી રહી છે. આપણી પ્રાચીન ધરોહર એવું આયુર્વેદ અનેક સામાન્યથી માંડીને જટિલ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં અત્યંત ઉપયોગી બની શકે એમ છે એ વાતની સાક્ષી પૂરે છે નિયામક આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ શાખા, કચ્છ સંચાલિત સરકારી આયુર્વેદ દવાખાનું (રામબાગ), ગાંધીધામના દર્દીઓ.છેલ્લાં વર્ષોમાં, ખાસ કોરોના કાળ પછી લોકોનો આયુર્વેદ તરફ ઝુકાવ વધી રહ્યો છે.

સરકારી આયુર્વેદ દવાખાનું, ગાંધીધામના મેડિકલ ઑફિસર વૈદ્ય પાર્થ ઠક્કર જણાવે છે, કે દરરોજના 50 લોકો ઓપીડીમાં સારવાર લેવા આવે છે. અત્યાર સુધીની મહત્તમ ઓપીડી 95 ની રહી છે. એક વર્ષની સરેરાશ ઓપીડી 10000 થી ઉપર પહોંચી જાય છે.

એમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ જેવા જૂના અને લાઇફસ્ટાઇલ ડીસીઝ જ નહીં, પણ સામાન્ય માન્યતાથી વિપરીત જેમાં તાત્કાલિક રાહતની જરૂર હોય એવા વાયરલ તાવ, શરદી, ઉધરસ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ઝાડા-ઉલટીના દર્દીઓ પણ આવે છે. અને એ ઉપરાંત સાંધાના, ચામડીના, પાચનતંત્રના, શ્વસનતંત્રના રોગીઓ પણ આયુર્વેદ સારવાર લે છે.

લોકો સ્વસ્થ બાળકને જન્મ આપવા માટે આયુર્વેદના ગર્ભવિજ્ઞાનનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ઓપીડી સ્તરે પંચકર્મ, અગ્નિકર્મ, રક્તમોક્ષણ જેવી આયુર્વેદ સારવાર પણ દવાખાનામાં આપવામાં આવે છે. આ ઉપરાંત, અનેક જટિલ સમસ્યાઓ જેમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાન હાથ ઊંચા કરી દેતું હોય, કે પછી ઓપરેશન જ એકમાત્ર રસ્તો હોવાનું કહેતું હોય, એવી તકલીફોથી પીડાતા રોગીઓ પણ આવે છે.

આ ઉપરાંત આયુર્વેદની સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીની માહિતી લેવા સ્વસ્થ વ્યક્તિઓ પણ આવે છે. લોકોમાં આયુર્વેદ સારવાર પરનો ઝુકાવ અને આયુર્વેદ સારવાર પ્રત્યેનો વિશ્વાસ વધી રહ્યાં છે. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ- ધન્વંતરિ જયંતીના દિવસે આપણે પણ આયુર્વેદને વધુમાં વધુ અનુસરવાનો સંકલ્પ લેવો જોઇવ તેવુ વૈધ ડો. પાર્થ ઠક્કરે ઉમેર્યુ હતું.