જુનાગઢ ગિરનાર ક્ષેત્રમાં રાત્રિના સમયે ઠંડીનું વાતાવરણ ધીમે ધીમે જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આગામી 10 નવેમ્બરથી શિયાળાની ઋતુની શરૂઆત થશે. આગામી બે થી ત્રણ દિવસ સુધી તાપમાન ઊંચું રહેશે અને ત્યારબાદ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. આગામી 12 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાવાની છે. જેથી આ વર્ષે પરિક્રમામાં આવતા યાત્રાળુઓને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થશે.
બીજી તરફ શિયાળાની ઋતુની શરૂઆત થવાની છે. ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા ખરીફ પાકની વહેલી તકે લણણી કરવાનો યોગ્ય સમય છે અને રવિ પાકોનું વાવેતર કરતાં ખેડૂતોએ તાપમાન જે સમયે નીચું હોય ત્યારે પોતાના ખેતરમાં રવિ પાકોનું વાવેતર કરવું જોઈએ. આગામી 10 નવેમ્બરથી હવામાન વિભાગના જણાવ્યાં મુજબ શિયાળાની શરૂઆત થશે અને લોકો ઠંડીનો અનુભવ કરશે.

કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી હવામાન વિભાગના નિષ્ણાંત ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ સુધી સવારથી તાપમાન ઊંચું રહેશે. તેમજ આવનાર સમયમાં તે તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ત્યારબાદ આગામી તારીખ 9 નવેમ્બર બાદ તાપમાન સામાન્ય જોવા મળશે. તેમજ રાત્રિના તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થશે. 10 નવેમ્બર બાદ શિયાળાની ઋતુની શરૂઆત થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ દિવસોમાં તાપમાન નીચું જ જતા દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. આગામી તારીખ 12 નવેમ્બર થી પરિક્રમા ની શરૂઆત થઈ રહી છે ત્યારે ગિરનાર ક્ષેત્રમાં 34 થી 35 ડિગ્રી જેટલું તાપમાન સવારના સમયે જોવા મળશે અને રાત્રિના સમયે 13 થી 14 ડિગ્રી જેટલું તાપમાન હોવાથી ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. પરિક્રમા દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં ગુલાબી ઠંડીનો યાત્રાળુઓ અનુભવ કરશે. જે ખેડૂતોને ખરીફ પાકો તૈયાર થયા હોય તે પોતાના ખેતરમાંથી પાકોની કાપણી અને લણણી કરી શકશે. જે ખેડૂતો રવિ પાકોની તૈયારી કરે છે તેવા ખેડૂતોએ આગામી અઠવાડિયા દરમિયાન તાપમાન એક થી બે ડિગ્રી નીચું જાય ત્યારે વાવેતર કરી શકશે. જેથી આ પાકોમાં વધારે તાપમાનની અસર પાકમાં જોવા મળે નહીં.



