Gujarat

દિવાળી ગઈ, દેવદિવાળી આવી છતાં રોડ-મ્યુનિ.ના વાયદા તૂટેલા જ રહ્યા

શહેરના મોટાભાગના વિસ્તારમાં કમરતોડ રોડ રિપેર થતાં જ નથી. મ્યુનિ.એ સૌથી પહેલાં નવરાત્રિ સુધીમાં તૂટેલા રોડ સુધારી દેવાનો વાયદો કર્યો હતો.

એ પછી દિવાળી સુધીમાં સૌ સારા વાના થઈ જવાની શેખી હાંકી હતી. જો કે, દેવદિવાળી નજીક આવી રહી હોવા છતાં રોડ રિપેરની વાતો માત્ર ઠાલા વચન પૂરવાર થઈ રહી છે. કેટલાક રોડ પર પેચવર્ક કરી થીંગડા મારવામાં આવ્યા છે પણ આ કામમાં એવી તો વેઠ ઉતારાઈ છે કે, રોડ વધુ હેરાનગતિ આપે છે.

કેટલાક વિસ્તારમાં તો રોડ એ હદે તૂટી ગયા છે કે, ખાડામાં પડ્યા વગર વાહન નીકળે જ નહીં અને કમર કે મણકાંનો દુ:ખાવો ગેરંટી બની જાય છે. ચોમાસા પછી તૂટેલા રોડ સરખા કરવામાં જે ઝડપે કામ થવું જોઈએ તે ઝડપે થયું નથી. આ વર્ષે ચોમાસું લાંબુું ખેંચાયું તે વાત સાચી પરંતુ રોડના સમાર કામમાં ઝડપ આવી  નથી.

આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદ પડ્યો હતો. આને કારણે મ્યુનિ.એ ભીના રસ્તા પર રિપેરિંગ કરવું શક્ય ન હોવાનું કારણ આપ્યું હતું. એ પછી દિવાળી નજીકમાં હતી ત્યારે જ ક્વોરી સંચાલકોની હડતાળ પડી. આને કારણે રોડ બનાવવા માટે જરૂરી કપચી મ્યુનિ.ને મળી ન હતી. આ હડતાળ દસેક દિવસ ચાલી હતી પણ તેની અસરથી રોડ રિપેરિંગની કામગીરી લાંબો સમય અટવાઈ પડી હતી.

ચોમાસામાં રોડ તૂટ્યાની 21,549 જ્યારે રોડ બેસી ગયાની 15,615 ફરિયાદો મળી હતી ચોમાસ દરમિયાન રોડ તૂટ્યાની 21,549 ફરિયાદો મળી હતી. જ્યારે 15,615 રોડ બેસી ગયાની લોકોએ ફરિયાદ કરી હતી. જ્યારે 3397 નાના-મોટા ખાડા અને ભૂવા પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં તો એકના એક સ્થળે ભૂવા પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલમાં પણ લાંબો સમય લાગ્યો હતો.

મ્યુનિ.ને મળતી ફરિયાદોમાં તૂટેલા રોડ અને વોટર લોગિંગ, ઊભરાતી ગટરોની સમસ્યા સૌથી વધુ હોય છે. ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર, સેટેલાઈટ, એસજી હાઈવે પરના સર્વિસ રોડ સહિત અનેક વિસ્તારના રોડ એ હદે ખરાબ થઈ ગયા છે કે, વાહનચાલક નાછૂટકે પસાર થવાનું પસંદ કરે છે.