શહેરના હસનવાડી વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી મહેન્દ્રભાઇ અંદરજીભાઇ મહેતા (ઉ.વ.73)ને ચાર મહિના પૂર્વે ડિજિટલ એરેસ્ટ કરી તેમના ખાતામાંથી રૂ.56 લાખ ટ્રાન્સફર કરી લેવાયા હતા. આ મામલામાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે સાત શખ્સની ધરપકડ કરી હતી. જે પૈકી જૂનાગઢના હિરેન મુકેશ સુબા અને પાટણના વિપુલ લાભુ દેસાઇને પોલીસે ચાર દિવસના રિમાન્ડ પર લીધા છે જ્યારે અન્ય પાંચ અરોપી જૂનાગઢના મહેક ઉર્ફે મયંક નીતિન જોટાણિયા, અમદાવાદના પઠાણ મહમદરિઝવાન ઇશાકખાન, પાટણના પરેશ ખોડા ચૌધરી, કલ્પેશ ખોડા ચૌધરી અને વિપુલ જેઠાલાલ નાયકને જેલહવાલે કરવામાં આવ્યા હતા.
જે બે શખ્સના રિમાન્ડ મળ્યા છે તે હિરેન સુબા અને વિપુલ દેસાઇ પાંચેય આરોપીના બેંક એકાઉન્ટ ઓપરેટ કરતા હતા. બેેંક ખાતા ધારકોના ખાતામાં રકમ જમા થયા બાદ ઉપરોક્ત બંને શખ્સ અલગ અલગ ખાતામાં રકમ ટ્રાન્સફર કરી દેતા કેટલીક રકમ ઉપાડી લેતા હતા. છેતરપિંડીથી મળેલી રકમ કોને, ક્યાં અને કેવી રીતે મોકલવાની હતી તે બાબતની પૂછપરછમાં બંને અરોપીઓએ ફરતી ફરતી વાત કરી પોલીસને ગોટે ચડાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સાયબર ગઠિયાઓ અવનવા ખેલ કરીને લોકોને છેતરી ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરાવી લેતા હોય છે, આ માટે સ્થાનિક લોકોના બેંક ખાતાનો ઉપયોગ થાય છે, આ માટે વિદેશી ગઠિયાઓએ બેંક ખાતા ભાડે રાખવાની કામગીરી માટે કેટલાક શખ્સોને કામગીરી સોંપી હોય છે અને આવા સ્થાનિક શખ્સો અશિક્ષિત, છૂટક મજૂરી અને નાના ધંધા કરતાં લોકોને નાણાંની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ ખોલાવડાવે છે અને બાદમાં પાસબુક, ચેકબુક એટીએમ કાર્ડ સહિતની વસ્તુઓ લઇ લે છે એટલું જ નહીં બેંક એકાઉન્ટમાં જે આર્થિક વ્યવહાર થાય છે તેના મેસેજ પણ એકાઉન્ટધારકને બદલે એકાઉન્ટ ઓપરેટ કરનારને મળે તે માટે પોતાના મોબાઇલ નંબર બેંકમાં નોંધાવે છે. આ કિટ ગેંગને પકડવામાં પોલીસની નિષ્ક્રિયતા સાયબર ક્રાઇમને વધુ પ્રોત્સાહન આપતી હોય તેવો ઘાટ સર્જાયો છે.
1 કરોડ ગુમાવનારને 105 દિવસ વિત્યા છતાં એકપણ રૂપિયો પરત મળ્યો નથી
શા માટે આવું થઇ રહ્યું છે આ કેસ પરથી સમજો
શહેરમાં રહેતા બીપીસીએલના નિવૃત્ત અધિકારી અશ્વિનભાઇ તલાટિયાને પણ જુલાઇ મહિનામાં અ|વી જ રીતે ગઠિયાઓએ ફોન કરી ડિજિટલ અરેસ્ટ કરી અશ્વિનભાઇ પાસેથી રૂ.1.03 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા આ અંગે અશ્વિનભાઇએ તા.27 જુલાઇના રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઇમના અધિકારીઓ સાથે દિવ્ય ભાસ્કરે વાર્તાલાપ કરતાં આ ઘટનાને 105 દિવસ વીતી ગયા હોવા છતાં અશ્વિનભાઇને એક પણ રૂપિયો પરત મળ્યો નથી એટલું જ નહીં એકપણ આરોપી પણ પોલીસ પકડી શકી નથી તેવું જાણવા મળ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, તલાટિયાના કેસમાં સાયબર ગઠિયાઓએ આસામ, ઓરિસ્સા અને બંગાળના બેંક એકાઉન્ટ ધારકોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી છે.
આ માટે આગામી દિવસોમાં ઉપરોક્ત રાજ્યમાં જઇને અરોપીને પકડવાની કાર્યવાહી કરવામાં આવશે, એટલું જ નહીં 105 દિવસ વીતી ગયા છે ત્યારે પોલીસ અશ્વિનભાઇએ ગુમાવેલા રૂ.1.03 કરોડમાંથી માત્ર રૂ.4.50 લાખ જ સીઝ કરાવી શકી છે એટલું જ નહીં આ રકમ પણ હજુ સુધી અશ્વિનભાઇને મળી નથી. રૂ.2 લાખની ચોરી કે લૂંટની ઘટના બને ત્યારે પોલીસના ધાડા સ્થળ પર ઉતારી દેવામાં આવે છે, પરંતુ ડિજિટલ અરેસ્ટથી લાખો-કરોડો રૂપિયા લોકો ગુમાવી રહ્યા છે ત્યારે પોલીસ ગંભીર નહીં હોવાનો વસવસો નાણાં ગુમાવનારાઓ વ્યક્ત કરી રહ્યા છે.