Gujarat

ભીલપ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં આયોજિત આદિવાસી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી

આદિવાસી સમાજના હજારો લોકોએ લોકનેતા ચૈતર વસાવાને ખભે બેસાડીને તેમનું સ્વાગત કર્યું.
અમે ભીલપ્રદેશ બનાવીને રહીશું અને કેવડિયાને રાજધાની બનાવીશું: ચૈતર વસાવા
સરકારો અમારો વિકાસ કરવા ન જ માંગતી માટે અમારે ભીલ પ્રદેશ બનાવવાની ફરજ પડી છે: ચૈતર વસાવા
જો ભીલપ્રદેશ બનશે તો અમે જાતે આદિવાસી લોકોનો અને આદિવાસી વિસ્તારનો વિકાસ કરી દઈશું: ચૈતર વસાવા
આઝાદીના 78 વર્ષ બાદ પણ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો, ડોક્ટરો, રોડ રસ્તા, હોસ્પિટલો, શાળાઓ નથી, પીવાનું પાણી અને સિંચાઈના પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી: ચૈતર વસાવા
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના નવાગઢ ફળિયા ખાતે આદિવાસી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના હજારો લોકો પણ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન સંયોજક ચૈતર વસાવાને લોકોએ ખભે બેસાડીને અને આદિવાસી સમાજના પરંપરાગત ગીતો દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક અને આદિવાસી સમાજના લોકોનેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે લોકો સવાલ પૂછી રહ્યા છે. કે શા માટે ભીલ પ્રદેશની માંગણી થઈ રહી છે. મારે લોકોને કેહવું છે કે દેશની આઝાદીને 78 વર્ષ થવા આવ્યા તેમ છતાં પણ આજે આદિવાસી વિસ્તારોના ગામોમાં શાળાઓ અને શિક્ષકો નથી, રોડ રસ્તાની વ્યવસ્થા નથી, પીવાનું અને સિંચાઈનું પૂરતું પાણી નથી, પૂરતા પ્રમાણમાં દવાખાનાઓ, હોસ્પિટલો અને ડોક્ટરો પણ નથી. આ તમામ વ્યવસ્થાઓ માટે અમે વારંવાર આંદોલનો કર્યા પરંતુ કોઈ બદલાવ આવ્યો નહીં. માટે જો સરકાર અમારો વિકાસ કરવા ન જ માંગતી હોય માટે અમારે હવે અમારા આદિવાસી સમાજનું અલગ અને દેશનું 29મું રાજ્ય બનાવવાની ફરજ પડી છે.
અમે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને તેની રાજધાની કેવડિયા રાખીશું. કારણ કે કેવડિયામાં અમારું નર્મદાનું પાણી છે, વીજળી ઉત્પન્ન થાય છે, બાજુના વિસ્તાર છોટાઉદેપુરમાં રેતીની ખાણો છે, લિગ્નાઈટની ખાણો છે, આમાડુંગરમાં યુરેનિયમની ખાણો છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશને પણ કેવડિયા નજીક પડશે અને એ વિસ્તારમાં આપણું જળ, જંગલ અને જમીન છે, માટે કેવડિયાને આપણે રાજધાની બનાવીશું. હું કહેવા માંગુ છું કે અમે ભીલ પ્રદેશની આગેવાની લેવા માટે તૈયાર છીએ તો હું મારા યુવાનોને વડીલોને વિનંતી કરવા માંગીશ કે તમે અમારો સહકાર આપજો અને આપણી સાથે મળીને આવનાર દિવસોમાં ભીલ પ્રદેશ બનાવીને રહીશું.
આઝાદી પહેલા અમારું અલગ રાજ્ય હતું અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે 14 જિલ્લા એટલે કે અંબાજીથી ઉમરગામ સુધી ગુજરાતમાં રાખ્યા, 13 જિલ્લા રાજસ્થાનમાં રાખ્યા, 12 જીલ્લાઓ મધ્યપ્રદેશમાં રાખ્યા અને 10 જિલ્લાઓને મહારાષ્ટ્રમાં વિભાજીત કર્યા. આજે પણ આ તમામ વિસ્તારના લોકોની રહેણીકરણી, પરંપરાઓ, રૂઢિપ્રથાઓ વિધિ અને રોટી બેટીનો વ્યવહાર એક સમાન છે. આજે પણ અમે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ સાથે મળીને એક થઈને રહીએ છીએ. માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને અમને અમારું અલગ રાજ્ય એટલે કે અમારું ભીલપ્રદેશ આપી દો. જો આ રાજ્ય બનશે તો અમે જાતે તમામ આદિવાસી સમાજના લોકો એક થઈને આદિવાસી લોકોનો અને આદિવાસી વિસ્તારનો વિકાસ કરી દઈશું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર