Gujarat

છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના પૈકીની રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના  પાણીથી વંચિત છે

સરકાર દ્વારા ૧૦ કરોડ રૂપિયા કેનાલો બનાવવા ફાળવ્યા પરંતુ અધિકારોની બેદરકારીને લઈ અત્યારસુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી.
આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં રામી જળાશય યોજના   વર્ષ ૧૯૮૮ માં બનાવાઈ જેમાં ખાંડીવાવ , મોતીસાંકડ , થડગામ , ગડેઠા, દેવત , કાનાબેડા , છીપણ, જાંબા , ભેખડિયા, નળવાંટ એમ ૮ થી ૧૦ ગામોને સિંચાઈ પાણી આપવાનું હતું જેના માટે કેનાલો બનાવાઈ પરંતુ કેટલાક ગામોમાં ડેમ બન્યો ત્યારથી આજ દિન સુધી ટીપું પાણી આવ્યું નથી. હાલ માત્ર ત્રણ ગામોને જ સિંચાઈનું પાણી મળી રહ્યું છે.
જ્યારે અન્ય ગામો  વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે. આ ગામોના આદિવાસી ખેડૂતો માત્ર ચોમાસા ખેતી ઉપર નિર્ભર છે અને અન્ય ઋતુમાં અહીંના લોકો સ્થળાંતર કરી મજૂરી કરવા માટે દૂર દૂર જવા મજબૂર છે. વર્ષોથી સૂકી ભટ્ટ કેનાલો સાવ જર્જરિત બની છે. ખેડૂતો રોષ સાથે આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા તો આવે છે પરંતુ એમની સમસ્યાનો હલ લાવતા નથી.
 
તો બીજી તરફ સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં રામી જળાશય યોજનાની કેનાલો માટે ૧૦ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા અત્યારસુધી એસ્ટીમેટ બનાવી તાંત્રિક મંજૂરી લેવાની તસ્દી લેવાઈ નથી. તેવામાં વહેલી તકે કામગીરી કરાય જેથી વર્ષોથી સિંચાઈના પાણી માટે તરસી રહેલા ખેડૂતોને પાણી મળી રહે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર