ગુજરાતથી શામળાજી અને રાજસ્થાન જતાં મુસાફરોની સુવિધા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ મોટા ચિલોડાથી શામળાજી સુધીના 93 કિમીના ફોર લેન હાઇવેને સિક્સ લેન કરવા નિર્ણય કર્યો હતો.
તે માટે 2019માં ચેતક એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે 2021 સુધી કુલ 7 બ્રિજ બનાવવાના હતા, પરંતુ 2023 સુધી ત્રણ જ બન્યા અને તેમાં પણ એક બ્રિજ હાઇટેન્શન વાયર નીચે બનાવી નાખ્યો. અન્ય બે બ્રિજના સ્ટ્રક્ચરમાં ખામીઓ જોવા મળી હતી. ખરાબ મટીરિયલના કારણે સ્ટ્રક્ચર ઝૂકી ગયા હતા.
આ જગ્યા ધણપ અંબાજી મંદિરની પાસે છે. કોન્ટ્રાક્ટરના વિલંબના કારણે 2021 સુધી પૂરું થવાનું કામ એપ્રિલ 2023 સુધી લંબાવાયું અને હજી પણ પૂરું થઈ શક્યું નથી. આ દરમિયાન હાઇ-વે ઓથોરિટીને ટોલ ટેક્સની આવકરૂપે અંદાજે 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાઇ-વે ઓથોરિટીએ સમયસર યોજના પૂરી થાય અને ગુણવત્તા જળવાય તે માટે બે સલાહકાર પણ નિમ્યા હતા. છતાં 4 વર્ષે પણ કામ પુરુ થઈ શક્યું નથી.
હવે યોજનાના બાકી કામ માટે ફરી અંદાજે 450 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. 93 કિમીના હાઈવેમાંથી 61 કિમીમાં રોડ પહોળો કરવાનો હતો અને બાકીના 32 કિમીમાં સ્ટ્રક્ચર બનાવવાના હતા.

