અમરેલી જિલ્લામા ઠંડીનું પ્રમાણ છેલ્લા 4 દિવસથી વધી રહ્યું છે જેના કારણે લોકો ઠુઠવાયા છે. ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સામાજિક કાર્યક્રમ પૂર્ણ કરી નીકળતા સમયે વિકટર નજીક પહોંચતા આવી ઠંડીમાં ઝુંપડામાં કેટલાક લોકોને જોતા તેઓ ઝૂંપડામાં પહોંચી મહિલા, બાળકો, યુવાનોને ધાબળા વિતરણ કર્યા હતા. તેમજ ઠંડીમાં લોકોએ સાવચેત રહેવા અપીલ કરી હતી. ઠંડીમાં ખુલ્લામાં ન ફરવા માટે પણ અપીલ કરી હતી. સાથે સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.
ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું કે, ગઈ કાલે સાંજના સમયે હું એક કાર્યક્રમ પૂર્ણ કરી નીકળ્યો ત્યારે વિકટર વિસ્તારમાં કેટલાક જરૂરિયાતમંદ લોકો જોવા મળ્યા હતા. હાલ ઠંડી પડી રહી છે એટલે ધાબળા વિતરણ કર્યા છે.
માર્ગો ઉપર પણ ઘણા લોકો ફરતા હતા, એવા લોકોને પણ ધાબળા આપ્યા છે. હજુ પણ મારા વિસ્તારમાં કાર્યકરોને સૂચના આપી છે જરૂરિયાતમંદ લોકોને વધુમાં વધુ ધાબળા પહોંચાડો..
