ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ, ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ દ્વારા સખી મંડળની બેહનો માટે દર વર્ષે માર્કેટિંગના ભાગ રૂપે રાષ્ટ્રીય કક્ષાના 2 સરસ મેળા અને પ્રાદેશિક કક્ષાના 10-12 સરસ મેળાઓ કરવામાં આવે છે.
પણ આ વર્ષે એમાં વધારો કરીને શોપિંગ ફેસ્ટિવલ, મોટા મોલમાં સખી માર્કેટ, ફ્લી માર્કેટ, ઇન્ડેક્સ્ટ-સીના મેળાઓ, ટૂરિઝમના કાર્યક્રમો વગેરેમાં પણ જગ્યા મેળવીને સખી મંડળો માટે વસ્તુઓના વેચાણ અને બ્રાન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
સખી ક્રાફ્ટ બજાર આ વખતે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કચ્છના ધોરડોમાં ઉજવાતા રણોત્સવમાં 14મી ડિસેમ્બર 2024 થી 31મી જાન્યુઆરી 2025 સુધી સખી બહેનો માટે સખી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બજારમાં સ્વસહાય જુથના બહેનોની હાથ બનાવટની વસ્તુઓના વેચાણ માટે કુલ 100 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાંથી ગુજરાત રાજ્યની સખી બહેનોના 60 સ્ટોલ્સ અને અન્ય રાજયોની સખી બહેનોના 40 સ્ટોલ્સ હશે, જે પરંપરાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઇનના અનોખા સંયોજનને પ્રસ્તુત કરશે. સખી ક્રાફ્ટ બજારનું આયોજન ત્રણ તબક્કામાં કરવામાં આવશે, જેમાં દર 15 દિવસે સ્ટોલ બદલાશે, એટલે કે કુલ 300 સ્વસહાય જુથને આ ઇવેન્ટ દ્વારા સીધું માર્કેટ મળશે.