Gujarat

કપડવંજના નવાબોભા પ્રાથમિક શાળામાં દાનનો ત્રિવેણી સંગમ, દાતા દ્વારા બાળકોને ચપ્પલ, શાળા માટે પંખા અને ટ્યુબ લાઈટનું દાન કર્યુ

કપડવંજ તાલુકાની નવાબોભા પ્રાથમિક શાળામાં પરેશભાઈ રાવલ દ્વારા તમામ બાળકોને ચપ્પલનું દાન કરવા સાથે શાળાના વર્ગખંડો માટે ટ્યૂબલાઈટ અને પંખા પણ આપવામાં આવ્યા હતા. દાતા દ્વારા શાળાના તમામ બાળકોને તિથિ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.

શાળા પરિવાર તરફથી પરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. પરેશભાઈ અવારનવાર આ શાળામાં દાન કરે છે.આચાર્ય તથા શાળા પરિવારે દાતા પરેશભાઈનો આભાર વ્યકત કર્યો હતો.શાળામાં ચાલતા પ્રકૃતિ જતન પ્રોજેક્ટ અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓને કારણે દાતાઓને શાળામાં દાન કરવાની પ્રેરણા મળે છે.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની નવાબોભા પ્રાથમિક શાળામાં બાળકોને પ્રામાણિકતા,પ્રકૃતિ,પક્ષી પ્રત્યે પ્રેમ ઈમાનદારી જેવી અવનવી પ્રવૃત્તિઓ દ્વારા નાનપણથી જ જીવન મૂલ્યોના પાઠ શીખવામાં આવી રહ્યા છે.પ્રકૃતિના સંવર્ધન માટે આ શાળામાં પ્રકૃતિ જતન પ્રોજેક્ટ પણ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો છે.

પ્રકૃતિ ની પાઠશાળા એવી આ શાળામાં બાળકોને પ્રકૃતિ,પશુ-પક્ષી પ્રત્યે પ્રેમ, બાળકોના જન્મદિવસ,રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારોની ઉજવણી પ્રકૃતિ સાથે જોડી બાળકોમાં પ્રકૃતિ પ્રેમનો અનોખો યજ્ઞ અહી ચાલી રહ્યો છે.

આ શાળાનો પ્રકૃતિ જતન પ્રોજેક્ટ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મનમાં પણ વસી ગયો છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રકૃતિ જતન પ્રોજેક્ટ હેઠળ ભણતરની સાથે વિદ્યાર્થીઓને પ્રકૃતિના પાઠ પણ ભણાવવામાં આવે છે તેની નોંધ લઈ શાળાની આ પ્રવૃત્તિની સરાહના કરી છે.