Gujarat

ખાવડાના ભીરંડીયારા માર્ગે બે ટ્રક વચ્ચે અકસ્માત, કેબિનમાં ફસાયેલા ચાલકને પતરાં કાપી ફાયરની ટીમે બહાર કાઢ્યો

ભુજથી ખાવડાના 100 કિલોમીટર લાંબા ધોરીમાર્ગે દિવસ રાત માલવાહક વાહનોની અવરજવર સતત રહેતી હોય છે. ખાસ કરીને મીઠું ભરેલા ઓવરલોડ વાહનોના કારણે અવારનવાર ગમખ્વાર અકસ્માતની ઘટના છાસવારે બનતી રહે છે, જેમાં વાહન ચાલકો ખુદ ભારેથી અતિભારે ઇજાઓ પામતા હોય છે. આજે સવારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી.

ખાવડાના ભીરંડીયારા નજીક બે ટ્રક સામસામે ટકરાઈ પડી હતી, તેમાં ટ્રક નંબર GJ39-T-7865માં તેનો ચાલક ખરાબ રીતે કેબિનમાં ફસાઈ ગયો હતો.જોકે, દોડી આવેલી ભુજ ફાયર વિભાગની ટીમે સમય સતર્કતા વાપરી ચાલકને કેબિનના પતરાં કાપી સલામત રીતે બહાર કાઢી બચાવી લીધો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સવારે 6:15 વાગે ભુજ ફાયર સ્ટેશનને ભુજ ખાવડા રોડ પર, ભીરંડીયારા ટોલ નાકાથી આગળ બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાની અને તેમાં ડ્રાયવર ફસાઈ ગયો હોવાની જાણ મળતાં ફાયર ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ સાથે ઘટના સ્થળે રવાના દોડી ગઈ હતી.

ટીમે સ્થળ તપાસ કરતા ડ્રાઇવર ટ્રકની ચેસીસ વચ્ચે દબાઈ ગયેલો જણાતા ચેસીસને તાત્કાલિક રેસ્ક્યુ વ્હિકલમાં રહેલા હાઇડ્રોલિક કટર, સ્પ્રેડર જેવા સાધનોની મદદથી ડ્રાઇવરને રેસ્કયુ કરી બહાર ખસેડી તેનો જીવ બચાવી લીધો હતો. ઘવાયેલા ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભુજ જીકે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ફાયરના ડ્રાઇવર મામદ જત,જગદીશ દનીચા,ફાયરમેન વાગજી રબારી, પ્રતીક મકવાણા, રફીક ખલીફા જોડાયા હતા.