લાનિનોની અસર તળે દેશની ઉત્તરી દિશાએ પડેલી ભારે હિમ વર્ષાની અસર હેઠળ છેક કચ્છ સુધી પહોંચતા ડંખિલા ઠારથી જિલ્લાનું વાતાવરણ સતત ઠંડુંગાર બની રહ્યું છે. જિલ્લાની ટોચે આવેલા નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો 6.4 ડીગ્રી સાથે સતત એકલ આંકમાં નોંધાઈ રહેતા આજે વધુ એક વખત નલિયા રાજ્યનું શિત મથક તરીકે જાહેર થયું છે, તો જિલ્લા મથક ભુજ શહેરના તાપમાનનો પારો પણ એકલ આંક તરફ સરકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે ભુજનું તાપમાન 10.2 ડિગ્રીના સ્તરને સ્પર્શ કરી ગયું હતું. ભારે ઠંડીના કારણે લોકો સાથે હવે પશુઓ ઉપર પણ શિયાળાની અસર વર્તાઈ રહી છે. ગાય અને ભેંસના દૂધની માત્રામાં રોજિંદો ઘટાડો નોંધાઈ રહ્યો છે. લોકો ગરમ વસ્ત્ર, ખાણીપીણી અને તાપણા નો સહારો લઈ રહ્યા છે.તો વહેલી સવારે શાળાએ જતા છાત્રાઓ સંપૂર્ણપણે ગરમ વસ્ત્રોમાં સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે.

કચ્છના નલિયામાં વહેલી પરોઢે ન્યૂનતમ તાપમાનનો પારો 6.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ઠંડીના કારણે લોકોને રોજિંદા કર્યોમાં ભારે હાલાકી પડી રહી છે. બજારોમાં લોકોની હાજરી પણ ઘટી જવા પામી છે. એજ પ્રકારે ભુજમાં શરૂ થયેલી ગરમ વસ્ત્રોની બજાર પહેલા શુષ્ક રહ્યાં બાદ હવે લોકોની ભીડથી ગાજી રહી છે. ગત વર્ષની તુલતાએ આ ડિસેમ્બર માસમાં ઠંડીનું જોર વિશેષરૂપે નોંધાઈ રહ્યુ છે. જેની સૌથી વધુ અસર સવારે કામસર નીકળતા ધંધાર્થીઓ અને શાળાએ જતા બાળકો ઉપર વર્તાઈ રહી છે.

દયાપર સહિત લખપત તાલુકામાં શિયાળાની શીત લહેર છવાઈ
છેલ્લા બે ત્રણ દિવસથી કચ્છની સાથે છેવાડાના સરહદીય લખપત તાલુકામાં પણ શિયાળાની કાતિલ ઠંડીની શીત લહેર ફરી વળી છે જેના કારણે લોકોને દિવસભર ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે તેમજ સવારે અને સાંજે થતાં જ ગ્રામ્ય વિસ્તારમાં લોકો તાપણા પેટાવીને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે ઠંડી વધવાને સાથે જ તેની સૌથી વધુ અસર દુધાળા પશુઓ પર પડી છે ઠંડીને કારણે દુધાળા પશુઓમાં દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઘટાડો થયો હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું.