મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ મજબૂત શરૂઆત કરી હતી અને પ્રથમ દિવસનો અંત ૬ વિકેટે ૩૧૧ રન બનાવી લીધો હતો. સ્ટમ્પના સમયે સ્ટીવ સ્મિથ ૧૧૧ બોલમાં ૬૮ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેની સાથે પેટ કમિન્સ ૮ રન પર રમી રહ્યો હતો. આ મેચમાં ચાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી, જેમાં સેમ કોન્સ્ટન્સ (૬૦), ઉસ્માન ખ્વાજા (૫૭), માર્નસ લાબુશેન (૭૨) અને સ્ટીવ સ્મિથ (૬૮*)નો સમાવેશ થાય છે.
ભારતીય બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ સૌથી પ્રભાવશાળી રહ્યો, જેણે ૩ વિકેટ ઝડપી. રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને નવોદિત આકાશદીપે ૧-૧ વિકેટ લીધી હતી. ૧૯ વર્ષના સેમ કોન્સ્ટાસે પોતાની ડેબ્યૂ મેચમાં જ જાેરદાર પ્રદર્શન કર્યું અને ૬૦ રન બનાવ્યા. તેણે માત્ર ૬૫ બોલમાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી પોતાની ઇનિંગ રમી હતી. ખાસ કરીને બુમરાહે રમેલા રેમ્પ શોટએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા માટે ખ્વાજા અને કોન્સ્ટન્સે ઇનિંગ્સની શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે ૮૯ રન જાેડ્યા. ખ્વાજાએ ૧૨૧ બોલમાં ૫૭ રન બનાવ્યા જેમાં ૬ ચોગ્ગા સામેલ હતા. બુમરાહે ખ્વાજાને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથે ત્રીજી વિકેટ માટે ૮૩ રનની ભાગીદારી કરી હતી. લાબુશેને ૧૪૫ બોલમાં ૭૨ રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં ૭ ચોગ્ગા સામેલ હતા. વોશિંગ્ટન સુંદરે તેને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો.

