Gujarat

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ  રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે

આરોગ્યલક્ષી સારવાર, સુવિધાઓની સ્થિતિનો તાગ મેળવ્યો, સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી

ઠંડીમાં દર્દીઓના સગાઓને બેસવાની, આરામની સગવડ મળી રહે તે માટે આરોગ્યમંત્રીશ્રીનો ત્વરિત નિર્ણય : વ્યવસ્થા કરવા માટે તંત્રને આપી સૂચના

દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે અને બહારની દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે ધ્યાન  રાખવા આરોગ્ય મંત્રીશ્રીની તાકીદ

રાજકોટ જિલ્લામાં ટીબી નાબૂદી ઝુંબેશ સઘન રીતે ચલાવી, દર્દીઓને પૂરતી અને સમયસર સારવાર મળે તે મહત્વપૂર્ણ : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ હોસ્પિટલના વિવિધ બિલ્ડિંગોમાં આરોગ્યલક્ષી સારવાર તેમજ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે વિવિધ વિભાગમાં દર્દીઓને મળીને, સારવારની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બાદમાં હોસ્પિટલ સત્તાધીશો તેમજ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા જિલ્લામાં આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે તેમની રાજકોટ મુલાકાતના પ્રારંભે સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડની મુલાકાત લીધી હતી. જ્યાં સાધન, સુવિધા, સ્વચ્છતાનું નિરીક્ષણ કરી દર્દીઓને મળતી સારવાર અંગે પણ પૃચ્છા કરી હતી. આરોગ્ય મંત્રીશ્રીએ નવી બિલ્ડિંગમાં કેથલેબ, ઓપરેશન થિયેટર, સ્કીન બેન્ક તથા બર્ન્સ વોર્ડમાં રૂબરૂ જઈને નિરીક્ષણ કર્યું હતું. રાજકોટ સ્કીનબેન્કની કામગીરી પ્રત્યે મંત્રીશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ તકે મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સિવિલ પરિસરમાં દર્દીઓના સગાઓને પણ મળ્યા હતા અને તેઓની રજૂઆતો સાંભળી હતી. હાલ ઠંડીની સીઝનમાં દર્દીઓના સગાઓને ખુલ્લામાં રહેવું ન પડે અને તેમને બેસવા તથા આરામની સગવડ મળી રહે તેવી વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીને સ્થળ પર જ સૂચના આપી હતી. મંત્રીશ્રીના ત્વરિત નિર્ણયના પગલે દર્દીઓના સગાઓએ રાજીપો વ્યક્ત કરીને મંત્રી શ્રી ઋષિકેશ પટેલનો આભાર માન્યો હતો.

આરોગ્ય મંત્રીશ્રીએ નવી ઝનાના (એમ.સી.એચ.) હોસ્પિટલ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી. અહીં તેમણે હોસ્પિટલના વિવિધ માળ પર મહિલાઓ તથા બાળકો માટે ઊભી કરાયેલી આરોગ્યલક્ષી સુવિધાઓનું નિરીક્ષણ કરીને તાગ મેળવ્યો હતો. મંત્રીશ્રીએ હોસ્પિટલના એક્સ-રે વિભાગ તેમજ અન્ય વિભાગોમાં ઓચિંતા જ જઈને પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.

ત્યારબાદ મંત્રીશ્રીએ મેડિકલ કોલેજ ખાતે હોસ્પિટલ તંત્ર, જિલ્લા આરોગ્ય તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. મોનાલી માકડિયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની માળખાકીય સુવિધાઓથી લઈને સારવાર, દવાઓ સહિતની વિગતોથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. જ્યારે મેડિકલ કોલેજના ડીન ડૉ. ભારતી પટેલે મેડિકલ કોલેજની સ્થિતિની જાણકારી મંત્રીશ્રીને આપી હતી. આ તકે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઉપયોગી સૂચનો કર્યા હતા. જેમાં હોસ્પિટલમાં આવતા દર્દીઓને હોસ્પિટલમાંથી જ દવા અપાય અને તેને બહારથી દવા લેવા પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે ખાસ જોવા જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ જિલ્લાના આરોગ્ય શાખાના અધિકારીઓ પાસેથી રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓ તેમજ ગામડાઓમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ તેમજ આરોગ્યલક્ષી યોજનાના અમલની સ્થિતિ જાણી હતી. આ તકે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. નવનાથ ગવ્હાણેએ રાજકોટ જિલ્લામાં થઈ રહેલી આરોગ્યલક્ષી કામગીરી અંગે મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.

આ તકે મંત્રીશ્રીએ રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ પાસેથી જિલ્લાની આરોગ્યલક્ષી સેવાઓ, સુવિધાઓમાં સામે આવતા પ્રશ્નો તેમજ પડકારોની સ્થિતિ જાણી હતી તથા રાજ્યસ્તરેથી ઉકેલી શકાય તેવા પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી.
હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી ટીબી નાબૂદ કરવા આહવાન કર્યુ છે અને ટીબી નાબૂદી માટે ખાસ ૧૦૦ દિવસની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે રાજકોટ મહાનગર તેમજ જિલ્લામાં ટીબી નાબૂદી માટે સઘન કામગીરી કરવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી.

સમગ્ર મુલાકાત તેમજ સમીક્ષા બેઠકમાં આરોગ્ય વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદી તેમજ આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ પણ સાથે જોડાયા હતા અને ઉપયોગી સૂચનો કરી અન્ય અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.

સમીક્ષા બેઠકમાં રાજકોટના મેયર શ્રીમતિ નયનાબહેન પેઢડિયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવીણાબહેન રંગાણી, ધારાસભ્ય ડૉ. દર્શિતાબહેન શાહ તેમજ શ્રી રમેશભાઈ ટીલાળાએ પણ આરોગ્ય સેવા સુદ્રઢ બનાવવા તથા લોકોને સઘન આરોગ્ય સેવા, સારવાર સરળતાથી મળી રહે તે માટે રજૂઆતો તેમજ સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં ગાંધીનગરના આરોગ્ય વિભાગના અન્ય અધિકારીશ્રીઓ, સિવિલ હોસ્પિટલના અધિકારીઓશ્રી, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના અધિકારીઓ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.